1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 14 જૂન 2019 (15:23 IST)

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક, ગુજરાત ઉપરનો સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ઉચ્ચસ્તરીય બેઠક, ગુજરાત ઉપરનો સંભવિત વાયુ વાવાઝોડાનો ખતરો ટળી ગયો
વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમૂદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યું છે: 
- સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સલામત આશ્રયસ્થાને સ્થળાંતર કરાયેલા ર.૭પ લાખ લોકોને પરત મોકલવાની કાર્યવાહી જિલ્લાતંત્રને હાથ ધરવા સૂચના–સ્થિતી સામાન્ય–નોર્મલ થાય તે માટે તંત્રવાહકો કાર્યરત 
- આશ્રયસ્થાનોમાં આશ્રય લેનારા પુખ્ત વયની વ્યકિતને-રોજના રૂ. ૬૦ – સગીર વયની વ્યકિતને રોજના રૂ. ૪પ પ્રમાણે ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવાશે
- શાળા-કોલેજો આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થશે 
- સૌરાષ્ટ્ર-કચ્છના પોર્ટસ (બંદર) પર આવતીકાલથી ગતિવિધિઓ ફરી શરૂ કરી દેવાશે
- સંભવિત આફત સામે પૂરી સજ્જતાથી લડવાના તંત્રએ કરેલા માઇક્રો લેવલ પ્લાનીંગનું ડોકયુમેન્ટેશન ભવિષ્યમાં આવી આપદાઓ સામે મૂકાબલા સામે માર્ગદર્શક તરીકે તૈયાર કરવા સૂચનાઓ 
- જે-તે જિલ્લામાં તંત્રના માર્ગદર્શન માટે ગયેલા મંત્રીશ્રીઓ-સચિવો પરત આવી જશે 
- કેન્દ્ર સરકાર-હવામાન વિભાગ-લશ્કર-નેવી-એરફોર્સ-એન.ડી.આર.એફ-રાજ્યના નાગરિકો-મિડીયા જગતનો તેમના સહકાર માટે આભાર 
- ભારે કુદરતી આફત સામે લડવાની પૂર્ણ સતર્કતા કેળવવાનો મોટો અનુભવ તંત્રને મળ્યો 
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 
મુખ્યમંત્રીએ આ બેઠક બાદ પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું કે, ગુજરાતમાં આવનારી આ સંભવિત વાયુ વાવાઝોડાની આફતથી આપણે ભયમુક્ત થયા છીએ. ‘‘આ વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમૂદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ગુજરાત ઉપરનો આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.’’ તેમ તેમણે કહ્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે આ સ્થિતીને મધ્યનજર રાખીને જિલ્લાતંત્રોને સૂચનાઓ આપી છે કે, જિલ્લાના આપદા પ્રબંધન હવે સામાન્ય કરી દેવામાં આવે. 
 
તેમણે જે ૧૦ જિલ્લાના ર.૭પ લાખ જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવેલું છે તેમને હવે પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે તેમ ઉમેર્યુ હતું. આવા જે લોકોએ આશ્રયસ્થાનોમાં આશ્રય લીધો હતો તેમાંથી પુખ્ત વયની વ્યકિતને રૂ. ૬૦ પ્રતિદિન અને સગીર વયની વ્યકિતને રૂ. ૪પ પ્રતિદિન પ્રમાણે રાજ્ય સરકાર ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવશે તેમ પણ જાહેર કર્યુ હતું.
 
મુખ્યમંત્રીએ કહ્યું કે, અસરગ્રસ્ત ૧૦ જિલ્લામાં જિલ્લાતંત્રના માર્ગદર્શન માટે મંત્રીઓ અને પ્રભારી સચિવોને મોકલવામાં આવેલા હતા તેઓ પણ શુક્રવારે બપોર બાદ પરત આવી જશે. આ વિસ્તારોમાં શાળા-કોલેજો આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઇ જવાની છે એટલું જ નહિ, સૌરાષ્ટ્ર-કચ્છના પોર્ટસ (બંદર) પર પણ આવતીકાલથી યાતાયાત – ગિતવિધિઓ ફરી શરૂ કરી દેવાશે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ આપી હતી. 
 
વિજય રૂપાણીએ ઉમેર્યુ કે જે વિસ્તારોમાં ઘોરીમાર્ગો પર વૃક્ષો-ઝાડ પડી જવાના કે અન્ય આડશો આવી જવાના કિસ્સાઓમાં પણ તે દૂર કરી માર્ગો કલીયર કરી દેવાયા છે. માર્ગ વાહન વ્યવહાર એસ.ટી. નિગમની બસ સેવાઓનું સંચાલન પણ શુક્રવાર સાંજથી નિયમીત કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના ખેતીવાડી, આરોગ્ય, માર્ગ-મકાનથી લઇને મહિલા બાળ કલ્યાણ સુધીના બધા જ વિભાગોએ સતત સંકલનમાં રહીને વ્યવસ્થાઓ પાર પાડીને ઓછામાં ઓછું નૂકશાન થાય તથા કોઇ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કર્યુ હતું. આ સંભવિત વાવાઝોડાની અસરોને પગલે રાજ્યના ર૦૦૦ ગામોમાં વીજપૂરવઠાને પણ અસર પહોચી હતી તે હવે પૂર્વવત થતાં માત્ર ૧૪૪ ગામોમાં વીજપૂરવઠો રાબેતા મુજબ થવાનો બાકી છે તે પણ શુક્રવાર સાંજ સુધીમાં થઇ જશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ સંભવિત વાવાઝોડાની અસરો દરમ્યાન ૧૯૯ જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગે સફળતાપૂર્વક પ્રસૂતિ પણ કરાવી છે તેની માહિતી તેમણે આપી હતી.
 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આ સંભવિત વાયુ વાવાઝોડાના મૂકાબલા માટે રાજ્ય સરકારે માસ્ટર પ્લાન બનાવીને સ્ટ્રેટેજીપૂર્વક કામગીરી કરી છે અને પૂરી સજ્જતાથી લડવાના તંત્રના માઇક્રો લેવલ પ્લાનીંગનું ડોકયુમેન્ટેશન કરવાની સૂચનાઓ પણ આપી છે. આવું ડોકયુમેન્ટેશન ભવિષ્યમાં જો કોઇ મોટી કુદરતી આફત-ત્રાસદી આવી પડે તો તેને પહોચી વળવા તંત્ર માટે માર્ગદર્શક રેફરન્સ બને તેવો આપણો આશય છે. વિજય રૂપાણીએ કહ્યું કે, કેન્દ્રીય હવામાન વિભાગના સતત અપડેટને પગલે આપણને આ મોટી આફત સામે લડવાની પૂર્ણ સર્તકતા કેળવવાનો મોટો અનુભવ મળ્યો છે.
 
તેમણે ભારત સરકાર, કેન્દ્રીય હવામાન વિભાગ, NDRF, આર્મી, નેવી, એરફોર્સ જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમજ રાજ્યના નાગરિકો, મિડીયા જગતનો તેમણે આપેલા સહકાર માટે આભાર વ્યકત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અન્ય રાજ્યોમાંથી આવેલી NDRF ટીમ આવતીકાલથી મૂવ થશે અને ગુજરાતની ટીમ અહિ જ રોકાવાની છે.