1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 12 જાન્યુઆરી 2022 (17:07 IST)

અમદાવાદની કાળજુ કંપાવનારી ઘટના, પ્રેમ સંબંધથી નારાજ પરિવારને કારણે ડ્રિપેશનમા યુવતીએ કર્યો આપઘાત

અમદાવાદમાં આપઘાતના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં વાસણા વિસ્તારમાં વહેલી સવારે ઝાડ સાથે એક યુવતીની લટકતી લાશના દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થનારા લોકો ફફડી ઉઠ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે આ ઘટનામાં અકસ્માતે મોત નોંધીને અલગ અલગ એન્ગલ પર તપાસ શરૂ કરી દીધી છે.પોલીસને તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે, યુવતી એક યુવક સાથે પ્રેમમાં હતી આ બાબતથી યુવતીનો પરિવાર નાખુશ હતો. યુવતીએ થોડા સમય પહેલાં જ એક પ્રિમેચ્યોર બાળકને જન્મ આપ્યો હતો. આ ઘટના હાલમા ટોક ઓફ ધ ટાઉન બની છે. 
 
 સવારે ઝાડ પર લટકતી જોવા મળી યુવતીની લાશ  હતી
 
પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના વાસણા વિસ્તારમાં પોલીસ સ્ટેશન સામે જ એક યુવતીએ આપઘાત કર્યો હોવાની વાત વહેતી થતાં સ્થાનિક પોલીસ દોડતી થઈ ગઈ હતી. 21 વર્ષિય મનિષા પરિવાર સાથે સુતી હતી. વહેલી સવારે તે શૌચાલય જવાનું કહી નીકળી હતી. એક મકાન પાસે આવીને તેણે ઝાડની ડાળી પર દુપટ્ટો બાંધી ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારની પુછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું હતું કે, મનીષાને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી પરિવારના કેટલાક સભ્યો તેને બોલાવતા નહોતા. જેના લીધે તે તણાવમાં આવી ગઈ હતી. જેના કારણે તેણે આપઘાત કર્યો હોઈ શકે છે.
 
પરિવારજનો આઘાતમાં 
 
વાસણા પોલીસ સ્ટેશનની સામેથી લોકો વહેલી સવારે નોકરી ધંધે જવા માટે પસાર થઈ રહ્યા હતાં. સામે આવેલી કોલેજમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. કર્ફ્યૂનો સમય પુરો થયા બાદ સવારથી આ સ્થળે અવર જવર શરૂ થઈ હતી. આ દરમિયાન પોલીસને જાણ થઈ હતી કે પોલીસ સ્ટેશન સામે આવેલા હનુમાન મંદિરની બાજુમાં કાચા મકાન બહાર ઝાડ પર કોઈ છોકરી લટકી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઈન્સ્પેક્ટર કે જે ઝાલા ત્યાં આવી પહોંચ્યા હતાં. આ દરમિયાન યુવતીના પરિવારજનો પણ ત્યાં આવી ગયાં હતાં. 
 
સવારે શૌચ જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ પરત આવી નહોતી
 
પરિવારની યુવાન દીકરીએ જીવ ગુમાવતા પરિવારજનોને પણ આઘાત લાગ્યો હતો. પોલીસે પરિવારજનોની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, મૃતકનું નામ મનિષા ડાભી છે.જેની ઉંમર 21 વર્ષની છે. તેને કોઈ યુવક સાથે પ્રેમ સંબંધ હતો. જેથી પરિવારના કેટલાક સભ્યો તેને બોલાવતા નહોતા. રાત્રે માતા સાથે તે સુઈ ગઈ હતી અને ચાર પાંચ વાગ્યાની આસપાસ શૌચ કરવા જવાનું કહીને નીકળી હતી. 
 
પ્રેમી સાથે લિવ ઈનમાં રહેતી હતી
 
અગાઉ મનિષાના લગ્ન થયા હતાં પણ પતિ સાથે અણબનાવ હતો. જેથી તે પિયરમાં પરત આવી ગઈ હતી. ત્યાર બાદ એક યુવક સાથે પ્રેમ સંબંધ થયો અને તેની સાથે લીવ ઈનમાં રહેવા લાગી હતી. આ દરમિયાન તે ગર્ભવતી બની ગઈ અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. પ્રી મેચ્યોર ડિલિવરીને કારણે બાળકનું મોત થયું હતું. પોલીસે આ સમગ્ર કેસમાં અકસ્માતે મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.