રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જુલાઈ 2023 (12:57 IST)

કેનેડામાં પ્રેમલગ્ન કરનાર યુવતીના પરિવારજનોએ યુવકના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો

કેનેડામાં  જીવલેણ હુમલો કર્યો- વિજાપુરમાં 15થી વધુનું ટોળું હથિયારો લઈ યુવકનાપરિવાર પર તૂટી પડ્યું, માતા-પિતાને માર માર્યો
 
મહેસાણાઃ વિજાપુર તાલુકાના બિલિયા ગામના યુવકે બાજુના ગામની યુવતી સાથે કેનેડામાં પ્રેમલગ્ન કરી લેતાં મામલો બિચક્યો હતો. યુવકના પરિવાર પર યુવતીના પરિવારના 10થી 15 લોકોએ જીવલેણ હૂમલો કર્યો હતો. હથિયારો સાથે આવેલા લોકોના ટોળાએ યુવકના  માતા-પિતાને માર મારી ઘરમાં તોડફોડ કરી હંગામો મચાવી દીધો હતો. આ સમગ્ર ઘટનાની લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. 
 
તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાખી
પ્રાપ્ત વિગતો પ્રમાણે વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડા ખાતે રહે છે તેમજ બાજુના ગામની યુવતી પણ કેનેડામાં રહે છે. જ્યાં યુવક-યુવતીએ લગ્ન કરી લીધાં હતાં. આ બાબતે યુવતીના પરિવારજનો 4 ફોર-વ્હીલ અને એક પિકઅપ ડાલામાં બેસી લાકડીઓ, ધોકા સહિતનાં હથિયારો સાથે યુવકના પિતાના ઘરે દોડી આવ્યા હતા. તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાખી છે એમ કહી યુવકના ઘરમાં ઘૂસી માતા-પિતા પર હૂમલો કર્યો હતો. યુવતીના પરિવારજનોએ મકાનને ઘેરી લઈ દરવાજાની લોખંડની જાળીઓ તોડીને મકાનમાં ઘૂસ્યા હતા તેમજ લાકડીઓ મારી તોડફોડ કરી હતી.આ લોકો યુવકની માતાનાં કપડાં ફાડી લાકડીથી માર મારવા લાગ્યા હતા. 
 
યુવકનાં માતા-પિતા પર યુવતીનાં કુટુંબીજનોએ હુમલો કર્યો
યુવકના પિતાને લોખંડની પાઈપ ફટકારી હતી જેથી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા.બાદમાં પોલીસ આવી જતાં તેમનો બચાવ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે લાડોલ પોલીસમાં યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઇ છે. લાડોલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જી.એ સોલંકીએ મીડિયાને જણાવ્યું કે ગઈકાલે રાત્રે સમગ્ર ઘટના બની હતી. જેમાં યુવકનાં માતા-પિતા પર યુવતીનાં કુટુંબીજનોએ હુમલો કર્યો હતો.સમગ્ર મામલામાં કેનેડામાં યુવતીનું મોત થયું છે એવી વાતો સામે આવતાં અમે તપાસ કરી હતી, અમે ત્યાં કેનેડા યુવતીનો સંપર્ક કરતાં કેનેડામાં યુવક-યુવતી સહી સલામત હોવાની વિગતો સામે આવી હતી. યુવકનાં માતા-પિતા પર હુમલો કરનાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યાં છે.