રવિવાર, 25 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 11 ઑક્ટોબર 2021 (19:48 IST)

અમદાવાદમાં વકર્યો આ રોગ, બે મહિનામાં 500થી વધુ કેસ

ચોમાસાના દિવસોમાં હજારો અમદાવાદીઓને વિવિધ બીમારીઓથી ત્રાહીમામ થઈ  જાય છે તેમાં કોઈ વાદવિવાદને અવકાશ રહેતો નથી. કોરોનાની સેકન્ડ વેવના પ્રકોપથી થાકેલા લોકો હવે થોડાક હળવા બન્યા છે અને તેમના ચહેરા પર ફરી રોનક આવી આવી છે તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ આતંક ફેલાવ્યો છે. આ બીમારીઓના સૌથી વધુ કેસ સરખેજ, જોધપુર, રાણીપ અને નવરંગપુરામાં જોવા મળી રહ્યો છે. તેમાય  ખાસ તો પશ્ચિમ અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાથી લોકો ત્રાહિમામ છે. 
 
ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો ભરડોશહેરનો પૂર્વ વિસ્તાર ડેન્ગ્યુથી ત્રાસી ઊઠ્યો છે. લાંભા, વટવા, ઇસનપુર, રામોલ, હાથીજણ, ગોમતીપુર, અમરાઈવાડી, ભાઈપુરા, વસ્ત્રાલ, ઓઢવ   જેવા વોર્ડમાં ડેન્ગ્યુના દર્દીઓ રાડ પાડી ઊઠ્યા છે તો ચિકનગુનિયાએ પશ્ચિમ અમદાવાદને તેની લપેટમાં લીધું છે. બીજા અર્થમાં સમગ્ર અમદાવાદમાં ડેન્ગ્યુ અને ચિકનગુનિયાએ પકડ જમાવતાં મ્યુનિ. અને ખાનગી હોસ્પિટલ, ખાનગી દવાખાનાં મચ્છરજન્ય રોગચાળાના દર્દીથી ઊભરાઈ રહ્યાં છે.
 
અમદાવાદના આ વિસ્તારો ‘હોટસ્પોટ’પશ્ચિમ અમદાવાદના ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ચિકનગુનિયાના અજગરી ભરડામાં ગોતા, થલતેજ અને બોડકદેવ વોર્ડ આવી ચૂક્યા છે. આ ત્રણે વોર્ડમાં   છેલ્લા દોઢ મહિનામાં ચિકનગુનિયાના 100થી વધુ સત્તાવાર કેસ નોંધાઈ ચૂક્યા છે. અન્ય બે વોર્ડ ચાંદલોડિયા અને ઘાટલોડિયામાં 30થી વધુ સત્તાવાર કેસ થયા છે. આમ આખા ઉત્તર-પશ્ચિમ ઝોન પર ચિકનગુનિયાનો કાળો પડછાયો પ્રસર્યો છે.જ્યારે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સરખેજ, જોધપુર અને વેજલપુરમાં પણ ચિકનગુનિયાના દર્દી વધતા જાય છે. બોડકદેવ, થલતેજ અને જોધપુર વોર્ડમાં વહેંચાયેલા બોપલ-ઘુમાવાસીઓ પણ ચિકનગુનિયાના ઉપદ્રવથી પરેશાન છે
 
ચિકનગુનિયાના 500થી વધુ સત્તાવાર કેસ - ચોમાસાના છેલ્લા બે મહિના એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં શહેરમાં તંત્રના ચોપડે ચિકનગુનિયાના 500થી વધુ સત્તાવાર કેસ ભલે નોંધાયા હોય, પરંતુ બિનસત્તાવાર રીતે ત્રણથી પાંચ હજાર કેસ થઈ ચૂક્યા છે. બીજી તરફ મ્યુનિ. હેલ્થ વિભાગ મચ્છરજન્ય રોગચાળાનો પ્રકોપ અમદાવાદમાં સતત વધી રહ્યો હોઈ અઠવાડિયામાં એક વાર મીડિયા સમક્ષ પ્રેસ કોન્ફરન્સ કરે તેમ શાસક ભાજપ પણ ઇચ્છે છે. આજે મળનારી હેલ્થ કમિટીમાં ચેરમેન ભરત પટેલ આ મુદ્દો ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા મચ્છરજન્ય રોગચાળાની અઠવાડિક અખબારી યાદી પણ બંધ કરાઈ છે.
 
દર ચોમાસામાં અમદાવાદીઓને રોડ પરના ખાડા અને ભૂવા ભયભીત કરે છે. હવે વરસાદ બંધ થયો હોઈ મ્યુનિ. તંત્ર દ્વારા યુદ્ધ સ્તરે હજારો ખાડા પૂરવાનું કામ હાથ ધરાયું છે. તેમ છતાં વરસાદની ઋતુમાં સ્માર્ટ સિટી અમદાવાદ ખાડા સિટી-ભૂવા સિટીમાં ફેરવાઈ જાય છે તે કડવા સત્યનો લોકોએ સ્વીકાર કરી લીધો છે. વરસાદી પાણીથી કલાકો સુધી જળબંબાકાર જેવી ઠેર ઠેર સર્જાતી સ્થિતિથી પ્રી-મોન્સૂન એક્શન પ્લાનની અસરકારકતા, ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇનની વાસ્તવિક ક્ષમતા સામે પણ અણિયાળા પ્રશ્નો ઊઠે છે. વરસાદથી ફક્ત આ સમસ્યાઓ નથી સર્જાતી, પરંતુ કાદવ-કીચડ, ગંદકી વગેરેથી મચ્છરોનો ઉપદ્રવ   પણ ફેલાય છે. તંત્ર છેલ્લાં કેટલાંક વર્ષથી મચ્છરજન્ય રોગચાળા પર સમયસર કાબૂ લાવવામાં સફળ નીવડ્યું નથી,   જેના કારણે હજારો લોકો આ રોગચાળાનો ભોગ બને છે.