બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 ઑગસ્ટ 2019 (13:03 IST)

ખુદ પોલીસ અને નેતાઓ જેને નમન કરે છે તે કોણ છે ઢબુડી માતા

ગુજરાતમાં અચાનક ઢબુડી માતા ચર્ચામાં આવી છે. લોકો ઢબુડી માતાને ગૂગલ અને યુટ્યૂબ પર શોધી રહ્યાં છે. હોરર કોન્જ્યુરીંગ ફિલ્મમાં બતાવેલી સુંદર ઢીંગલીને શણગાર કરીને સાથે માથે ચુંદડી ઓઢીને ફરતી ઢબુડી માતા હકીકતમાં એક પુરુષ છે. માથે ઓઢણીને કારણે અને નામને કારણે લોકો તેને સ્ત્રી સમજી રહ્યા છે, પણ હકીકતમાં આ પડદા પાછળ ધનજી ઓડ નામનો શખ્સ છે. ચુંદડી ઓઢેલો ધનજી ઓડ કેન્સર મટાડવાનો પણ દાવો કરે છે. ત્યારે હાલ પોલીસ અને વિજ્ઞાનજાથાના ડરથી તે ફરાર થઈ ગયો છે, પરંતુ અત્યાર સુધી તેણે કરોડો રૂપિયા ભક્તો પાસેથી ખંખેરી લીધા છે. જાહેરમાં દરબાર ભરીને ધર્મના નામે ધતિંગ કરતા ધનજી ઓડનો ચહેરો કોઈએ જોયો નથી. કારણ કે, તે દરબારમાં આવે, અને નીકળે ત્યાં સુધી ચહેરા પર ચુંદડી ઓઢીને રાખે છે. આ ઢબુડી માતા લોકોમાં એટલી ફેમસ થઈ ગઈ છે કે, પોલીસ કર્મચારીઓ અને ધારાસભ્યો પણ તેની સલામી ભરે છે. પાટણના કોંગ્રેસના ધારસભ્ય મહેશ પટેલ પણ ઢબુડી માતાના શરણે ગયા હોવાનો ખુલાસો થયો છે. મહેશ પટેલ તથા કેટલાક પોલીસ કર્મચારીઓ ઢબુડી માતાના દરબારમાં તેને પગે લાગી રહ્યા હોય તેવો વીડિયો પણ વાઈરલ થયો છે. ધર્મના નામે ધતિંગ કરીને ઐય્યાશી કરનારા ધર્મગુરુઓનું ભારતમાં લાંબુ લિસ્ટ છે. ત્યારે અય્યાશી અને શોખમાં તો ઢબુડી માતા પણ પાછળ પડે તેમ નથી. કહેવાય છે કે, ઢબુડી માતાને વિદેશી ચોકલેટ ખાવાનો બહુ જ શોખ છે. વિદેશીમાંથી આવતા તેના ભક્તો પ્રસાદમાં ચોકલેટ લઈને તેની શરણે જાય છે. તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢબુડી માતાનો મોટો બંગલો પણ છે. લોકો પાસેથી રૂપિયા ખંખેરીને તેણે મિલકતો ઉભી કરી હોવાનું પણ કહેવાય છે. એટલું જ નહિ, તેના વીડિયોમાં તેના દરેક હાથમાં સોનાની અંગૂઠી અને નખ પર નેલ પોલિશ લગાડી હોવાનું પણ જોવા મળે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, ધનજી ઓડ નામના શખ્સે ઢબુડી માતા બનીને સૌથી પહેલા ગાંધીનગરમાં ડેરાતંબુ તાણ્યા હતા. આ શખ્સ મૂળ રૂપાલનો હોવાનું કહેવાય છે. પરંતુ ગાંધીનગરમાં દબાણ વધતા બાદમાં તેણે પોતાના ગામ રૂપાલમાં લોકોને ભોળવવાનું શરૂ કર્યું હતું. ગામમાં વસતા અભણ લોકો તેના અનુયાયીઓ છે. તેને પ્રસાદમાં ઢીંગલી, બદામ પિસ્તા, ચોકલેટ સહિતની વસ્તુઓ ચઢાવવામાં આવે છે.