ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (14:17 IST)

અમદાવાદના દિવ્યાંગ યુવકે લગ્ન માટે ચાર લાખનો ખર્ચ કર્યો, કન્યા તો ના આવી પણ તેની ઠગ ટોળકી રૂપિયા લઈ ફરાર

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં રહેતા એક દિવ્યાંગ યુવકને એક વ્યક્તિએ મહારાષ્ટ્રની યુવતી સાથે લગ્ન કરાવવાની લાલચ આપી હતી. જે માટે અઢી લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. પણ જેવા યુવક અને આ ટોળકીના ગોઠવેલા માણસો મહારાષ્ટ્ર પહોંચ્યા તો તરત જ આ ટોળકીએ યુવતી દેખાડવાના પણ 11000 રૂપિયા વસૂલી લીધા હતા. ત્યાંથી શરૂ થયેલી ચીટીંગ યુવકને 3.88 લાખમાં પડી છે 
 
છોકરી ઘરે આવી જાય પછી પૈસા આપવા કહ્યું
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 12મી ઓગસ્ટના રોજ દિવ્યાંગ યુવક લલિત માલી અને તેમના પરિચિત વિશ્વનાથ બન્ને જણા બાપુનગર ખાતે રહેતા સુરેશભાઇના ઘરે આવ્યા હતાં અને સુરેશભાઇએ તેમને ત્યાં બાપુનગર આનંદ ફલેટમા રહેતા હરીદાસ,રાજુભાઇ તથા દિલિપભાઇ સાથે મુલાકાત કરાવી હતી. આ દરમિયાન લગ્ન બાબતે વાતચીત થઈ હતી અને રાજુભાઇએ લલિતને મહારાષ્ટ્રના અકોલા ખાતે એક છોકરી છે તેમ કહ્યું હતું. જેથી તે સમયે લલિતે રાજુભાઇને પુછ્યું કે લગ્નનો કેટલો ખર્ચ થશે જેથી રાજુભાઈએ લલિતને જણાવ્યું કે લગ્ન થઇ જાય અને છોકરી તમારા ઘરે આવે ત્યા સુધી 2 લાખ 30 હજાર જેટલો ખર્ચ થશે. છોકરી અમદાવાદમાં તમારા ઘરે આવે તે પછી પૈસા આપવાના રહેશે તેવું જણાવ્યું હતુ.
 
રાજુભાઇએ તેમના ઓળખીતા નરેશભાઇને ફોન કરીને અકોલાથી બોલાવેલ અને નરેશભાઇએ છોકરીને બતાવતા પહેલા 11 હજાર ટોકન પેટે આપો નહિંતર છોકરી બતાવીશુ નહી તેવું કહ્યું હતું. જેથી નરેશભાઇને લલિતે પૈસા આપ્યા હતાં. બાદમા રાજુભાઇ આ નરેશભાઇના ઘરે લઇ ગયેલા અને ત્યા નરેશભાઇ, વિમળા માસી, સંજય અકોલા વાળા, સુરજ પાટીલ, સુમિત્રા,સંજય અને કલ્યાણીબેન સાથે મુલાકાત કરાવી હતી. 
 
આ સમયે સંજયભાઇએ લલિતને કહ્યું હતું કે, તમે અહીયા ઉભા રહો અમો ફોટો કોપી કઢાવીને આવીએ છીએ અને પછી કોર્ટમા લગ્ન કરવા જઇએ છીએ ત્યારપછી આ તમામ લોકો રૂપિયા 2.20 લાખ લઇને ભાગી ગયા હતાં અને બધાએ ફોન બંધ કરી દીધો હતો.
 
લલિતે અકોલામાં નીલ રત્ન જવેલર્સમાંથી 20 હજારના સોનાના દાગીના ખરીદ્યા અને બાદમાં ત્રણ હજાર રૂપિયાની બીજા ઘરેણા ખરીદ્યા હતાં. બાદમાં સુમિત્રાએ લલિત પાસે કપડાના પૈસા માંગતા લલિતે 12 હજાર રૂપિયા આપ્યા હતાં અને ત્યારબાદ લલિત અમદાવાદ પરત આવી ગયો હતો. સુમિત્રા લિલત પાસે વધુ પૈસાની માગણી કરતા લલિતે નહોતા આપ્યા અને ચાર પાંચ મહીના સુધી રાહ જોઈ તેમ છતા આ સુમિત્રા આવી નહી. તેણે લલિતને ફોન ઉપર બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.