ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 1 માર્ચ 2023 (13:12 IST)

ભાજપ સંગઠનમાં ફેરફારના એંધાણ, ત્રણ જિલ્લા અને એક શહેર પ્રમુખે આપ્યા રાજીનામાં

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. ભાજપ સંગઠનમાં ફેરફારના થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. આજે ત્રણ જિલ્લાના અને એક શહેર ભાજપ પ્રમુખે રાજીનામાં આપ્યા છે. સુત્રોમાંથી મળતા અહેવાલ મુજબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે આ પ્રમુખોના રજીનામાં સ્વીકારી લીધા છે. ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે.

આજે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખે ત્રણ જિલ્લાના પ્રમુખો અને એક શહેર પ્રમુખ પાસેથી રાજીનામાં સ્વીકારી લીધા છે. આજે મહેસાણા, બોટાદ અને ભાવનગર જિલ્લાના પ્રમુખ સહિત ભાવનગર શહેરના પ્રમુખનુ પણ રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યુ છે. વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ જિલ્લામાં હાર થવાના કારણથી જિલ્લા પ્રમુખનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. બીજી તરફ ભાવનગરમાં આંતરિક જુથ વિખવાદ સામે આવેલી ફરિયાદોના કારણે ભાવનગર શહેર તેમજ જિલ્લા પ્રમુખનું રાજીનામું લેવામાં આવ્યુ છે. ભાજપમાં મોટા પાયે સંગઠનમાં ફેરફાર થવાની શક્યતા છે. હવે જોવાનું રહેશે કે નવા પ્રમુખોના નામની જાહેરાત પ્રદેશ પ્રમુખ ક્યારે કરશે. હાલ આ રાજીનામાને કારણે રાજકારણમાં ફરી એક વખત ચર્ચાએ જોર પકડ્યું છે. આ અગાઉ વડોદરા જિલ્લાના ભાજપ પ્રમુખ અને ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખે રાજીનામાં આપ્યા હતા. આ રાજીનામાં બાદ ગણતરીના કલાકોમાં જ સી.આર.પાટીલે તુરંત બે નવા પક્ષ પ્રમુખોની નિમણૂક કરી દીધી હતી.