શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 માર્ચ 2020 (16:06 IST)

દ્વારકા પંથકમાં સવારે વરસાદી ઝાપટું, જીરૂ, ઘઉં, ચણાના પાકને નુકસાન

હવામાન વિભાગે દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા અને કચ્છમાં કમોસમી વરસાદ પડશે તેવી આગાહી કરી છે. ત્યારે આજે દ્વારકા પંથકમાં વહેલી સવારે જ વરસાદી માહોલ સર્જાયો હોય તેમ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને ઝરમર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદથી જીરૂ, ચણા, ઘઉંના પાકને નુકસાન પહોંચ્યું છે. આથી જગતનો તાત મોઢામાં આવેલો કોળિયો છિનવાતો જોઇ મુશ્કેલીમાં મુકાયો છે. દ્વારકા ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે. હાલ જીરાનો અને ઘઉંનો પાક તૈયાર થઇ ગયો છે અને બીજી તરફ વરસાદથી નુકસાન પહોંચ્યું છે. દ્વારકા શહેરમાં વરસાદથી રસ્તાઓ ભીંજાયા હતા.દક્ષિણ પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના વાતાવરણમાં આજે વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વહેલી સવારથી ઠંડક ફેલાઈ છે. વાતાવરણમાં પલટાના કારણે દ્વારકા,કચ્છ,બનાસકાંઠા, પોરબંદર, સામાન્ય વરસાદી છાટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.એક વાર ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં પણ ચિંતા ફેલાઈ છે. આજે અને આવતીકાલે એમ બે દિવસ વાતાવરણ વાદળછાયું રહેવાની સંભાવના છે.પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરાઈ છે. સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. વાતાવરણમાં પલટો આવ્યો હોવાના પગલે પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં અમુક સ્થળોએ માવઠું પડવાની શક્યતાઓ છે. હવામાન વિભાગ દ્વારા માવઠું પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર સહિત સૌરાષ્ટ્રમા માવઠું પડે તેમ જણાવ્યું હતું. પલટાયેલા વાતાવરણના પગલે ભેજનું પ્રમાણ સવારથી જ વધી ગયું હતું. આમ સાઇક્લોનિક સર્ક્યુલેશનને કારણે આજે ગુરુવારના દિવસે માવઠાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.