બુધવાર, 9 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 માર્ચ 2020 (11:49 IST)

નિતિન પટેલ ફરી રિસાણા, કહ્યું- હું એકલો પડી ગયો છું, બધા મારા વિરૂદ્ધ છે

ગુજરાતના ઉપમુખ્યમંત્રી નિતિન પટેલ પોતાના હાજરી જવાબી અને સ્પષ્ટ વક્તા તરીકે જાણિતા છે, પરંતુ તેના લીધે સરકાર તથા સંગઠનના ઘણા નેતા આશ્વર્યમાં મુકાઇ ગયા જ્યારે, તેમણે કહ્યું કે બધા એક તરફ છે અને હું એકલો બીજી તરફ ઉભો છું.  
 
મા ઉમિયા મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દુખ છલકાયું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે ઘણી વખત નિતિન પટેલની નારાજગીની વાતો સામે આવી છે તથા કેટલાક સરકારી સમારહોમાં તેમના નામ તથા ફોટા ન હોવાથી તે રિસાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ કડવા પાટીદાર સમુદાયના લાખો લોકોની હાજરીમાં જ્યારે નિતિન પટેલે કહ્યું કે બધા એક તરફ છે અને હું એકલો બીજી તરફ. તેમણે કહ્યું કે ઘણા લોકોને તે પસંદ નથી અને તેમને એકલા પાડવાના પ્રયત્ન થતા હોય છે પરંતુ તેમછતાં મા ઉમિયાના આર્શીવાદથી તે અહીં ઉભા છે.  
 
નિતિન પટેલે કહ્યું કે કેટલાક લોકો તેમને ભુલાવી દેવા માંગે છે, પરંતુ યાદ રાખે કે તે કોઇને ભૂલતા નથી. નિતિન પટેલ પરોક્ષ રીતે કોને ચેતાવણી આપી રહ્યા હતા. તેની સ્પષ્ટતા તો થઇ નથી પરંતુ એટલું સ્પષ્ટ છે કે ગુજરાત સરકારમાં નંબર બે નેતા નિતિન પટેલ ફરી એકવાર નારાજ છે. 2017માં ચૂંટણી જીત્યા બાદ મંત્રિમંડળના શપથ ગ્રહણ બાદ નાણા મંત્રાલય ન મળ્તાં નિતિન પટેલ બે ત્રણ દિવસ સુધી સચિવાલય પોતાના કાર્યાલય ગયા ન હતા અને જ્યારે તેમને નાણા મંત્રાલય સોંપવામાં આવ્યું, ત્યારે તેમણે કાર્યભાર સંભાળ્યો. એટલા માટે સરકાર અને સંગઠનમાં ક્યાંક ને ક્યાંક તેમની ઉપેક્ષા થતી હોય અથવા નારાજગીના સમાચાર મળી રહ્યા છે. 
 
નીતિન પટેલના વાયરલ થયેલા આ નિવેદન બાદ બજેટ સત્રમાં કોંગ્રેસના નેતા વીરજી ઠુમરે કહ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઘણું સારું કામ કરે છે અને અમારો એમને ટેકો છે. એ 15 ધારાસભ્યો લઈને આવે તો મુખ્યમંત્રી બનાવવા અમારો ટેકો છે. તમારા પક્ષના લોકો તમને સમજી શકતા નથી. તો વીરજી ઠુમરની ટિપ્પણી પર ગૃહરાજ્યમંત્રીએ ટકોર કરી હતી કે, વીરજીભાઈ ગત વખતે તમારા 12 ધારાસભ્યો જતા રહ્યા હતા. તેથી અમારી ચિંતા કર્યા વગર તમારું ઘર સંભાળો....’
 
નિતિન પટેલ મૂળ ઉત્તર ગુજરાતના મહેસાણાના પાટીદાર સમુદાયમાં જોરદાર પકડ ધરાવે છે. મહેસાણામાં અજય ગણવામાં આવતા નિતિન પટેલ ગત ઘણા દાયકાથી રાજકારણમાં સક્રીય છે. સંઘની શાખાથી માંડીએન ભાજપ સરકારમાં સતત મંત્રી રહ્યા છે. ઓગસ્ટ 2016માં તત્કાલીન સીએમ આનંદીબેન પટેલના રાજીનામા આપ્યા બાદ નિતિન પટેલને મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. 
 
આ દરમિયાન ગુજરાત વિધાનસભામાં ઉપમુખ્યમંત્રી નિતિન પટેલના નિવેદનને લઇને કોંગ્રેસના ધારાસભ્યો રાજ્ય સરકાર પર નિશાન સાધી રહ્યા છે. તો બીજી તરફ જિગ્નેશ મેવાણીએ કહ્યું કે નિતિનભાઇ પોતાના 15-20 લોકો સાથે લઇને પાર્ટીમાંથી બહાર આવી જાય. સોમવારે દિવસભર વિધાનસભામાં નિતિન પટેલના નિવેદનની ચર્ચા થઇ હતી. ભાજપે આ મુદ્દે કોઇ સત્તાવાર નિવેદન આપ્યું નથી. પાટીદાર સમાજના મંચ પર આપવામાં આવેલા નિવેદનને લઇને રાજ્ય સરકાર પણ ગંભીર જોવા મળી રહી છે  પરંતુ કોંગ્રેસ નેતા ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.