1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (09:51 IST)

વહેલી સવારે ધંધુકા- બગોદરા રોડ પર ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો

અમદાવાદ જિલ્લાના ધંધુકા- બગોદરા રોડ પર આવેલા હરિપુરા પાટિયા પાસે આજે વહેલી સવારે ઇકો કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં બેઠેલી ચાર મહિલાઓના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યાં હતાં. જ્યારે બે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ઇકો કાર પૂરઝડપે જતી હતી અને આગળ ઉભેલી ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ધંધુકા અને ફેદરા લોકેશનની 108 ઘટનાસ્થળે પહોંચી હતી. કારમાં ફસાયેલા બે વ્યક્તિને 108ના સ્ટાફે મહા મહેનતે બહાર કાઢ્યા હતા. ઘટનાને પગલે ધંધુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. મૃતકો અમદાવાદના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું છે. ધંધુકા પોલીસે પરિવારને જાણ કરી અને લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડી છે.એક સપ્તાહ પહેલાં જ ધંધુકા બગોદરા હાઈવે પર વહેલી સવારે 5.00 કલાકે સૌરાષ્ટ્ર તરફ 56 લોકોને ટુરમાં લઈને જતી પ્રાઈવેટ બસ ધંધુકા તાલુકાના ખડોળ ગામના પાટિયા પાસે પલટી મારી જતા બસમાં સવાર 56 લોકોમાંથી 35 લોકોને ઇજા પહોચી હતી જેમાં 3 બાળકો સહિત 11 લોકોને ગંભીર ઇજાઓ પહોચી હતી. ઇજાગ્રસ્તોને ધંધુકા અને અમદાવાદ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.આ અકસ્માતની જાણ ધંધુકા પોલીસેને અને 108 એમ્બ્યુલન્સને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોચી બચાવ કામગીરી હાથ ધરી હતી. ધંધુકા, ફેદરા, ધોલેરા, બગોદરા, બરવાળા અને રાણપુરની મળી 6 જેટલી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી અને તમામ ઇજાગ્રસ્તોને લોહીલુહાણ હાલતમાં ધંધુકા હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા. આ ઇજાગ્રસ્તોમાં 4 લોકોની ગંભીર ઇજાઓ પહોચી હોવાથી વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા અમદાવાદ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.