શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 1 નવેમ્બર 2021 (11:56 IST)

દિવાળીને નડી રહ્યું છે મોંઘવારીનું ગ્રહણ, તહેવારો ઉજવવા કે ઘર ચલાવવું, લોકોએ ખરીદીમાં મુક્યો કાપ

દિવાળી એટલે પ્રકાશ નું પર્વ અને આ પર્વના આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે દિવાળીના દીવડાના ઝગમગાટની પાછળ મોંઘવારીનું અંધારું પણ ટાંપીને જ બેઠું હોય એવું લાગે છે. દેશભરના ઉત્સવપ્રિય લોકો આ વર્ષે દિવાળી ના તહેવારોમાં મને-કમને તહેવારો મનાવવા તૈયાર થયા છે, કારણ કે છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે તહેવારો ઉજવી શક્યા ના હતા, પરંતુ આ વર્ષે તહેવારો મનાવવા છૂટછાટ મળી છે, ત્યારે મોંઘવારીએ માઝા મૂકી છે તેને લઈને ઉત્સવો ઉજવવામાં પણ લોકો સ્વયંભૂ રીતે કચાશ રાખવી પડે છે.
 
છેલ્લા બે વર્ષોથી કોરોના ના કહેર વચ્ચે લોકો તહેવારો ઉજવી શક્યા ન હતા. જયારે આ વર્ષે સરકાર દ્વારા ઉત્સવો ઉજવવા માટે મંજુરી આપવામાં આવી છે ત્યારે જ મોંઘવારી આસમાને પહોચતા લોકોઈને ઉત્સવો ઉજવવા તો કેમ ઉજવવા એ સમજાતું નથી. છેલ્લા થોડા દિવસમાં પેટ્રોલ, ડીઝલના ભાવો સો ને પાર પહોચ્યા છે, જેના કારણે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો પણ આસમાને પહોચ્યા છે, દુધ, મીઠાઈ, ફરસાણ, ખાંડ, શાકભાજી સહિતની જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં લોકોની આશા પર પાણી ફરી વળ્યુ છે. જયારે આ કારમી મોંઘવારી વચ્ચે તહેવારો ઉજવવા પણ મુશકેલ બન્યા છે. લોકોની આવક કરતા ખર્ચ વધી જતા હાલ લોકોને ઘરનું પુરૂ કરવુ કે પછી તહેવારો ઉજવવા એ નક્કી નથી કરી શકતા?
 
તહેવારો નજીક હોવા છતાં પણ લોકોમાં દિવાળીના તહેવારની ખરીદી કરવામાં કોઈ રસ દેખાતો નથી. દિવાળીના તહેવારોમાં કોઈ ને જવાબ દેવાનો પણ સમય ન હોય તેવા વેપારીઓ આજે ગ્રાહકો ક્યારે આવશે તેની રાહ જોઇને બેઠા છે. દિવાળીના તહેવારોમાં કપડા, કટલરી, સુશોભન, ઘરેણાં અને મીઠાઈઓ સહીતની ચીજોની ખરીદી થતી હોય છે. પરંતુ આ વર્ષે ગ્રાહકો જાણે કે અદ્રશ્ય જ થઈ ગયા છે, બજારોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે લોકો આવતા હોય છે. ત્યારે આ વર્ષે હજુ કોરોના માંથી માંડ બહાર આવેલા લોકો ખરીદી કરવામાં નીરસતા દાખવી રહ્યા છે. પરંતુ વેપારીઓ ને હજુ પણ આશા છે કે દિવાળીના બે ત્રણ દિવસ બાકી છે ત્યારે ચોક્કસ ઘરાકી નીકળશે.
 
શહેરના મુખ્ય બજારમાં દિવાળીના દિવસોમાં હૈયે હૈયું દળાય તેવી માનવ મેદની હોય જેની જગ્યાએ જુજ લોકો જ બહારમાં જોવા મળી રહ્યા છે. પહેલાની દિવાળીમાં એક મહિનો અગાઉ બજારોમાં ઘરાકીની રોનક જોવા મળતી હતી જ્યારે હવે દિવાળીના છેલ્લા ચાર પાંચ દિવસ જ વેપારીઓને ગ્રાહકના દર્શન થાય છે.