મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 મે 2019 (13:28 IST)

વિજળી મુદ્દે ગુજરાત ખેડૂત સમાજ દક્ષિણ ગુજરાત વીજ કંપની સમક્ષ રજૂઆત કરશે

લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને દસેક કલાક વિજળી આપી ભાજપ સરકારે રિઝવ્યા હતાં પણ જ્યાં ચૂંટણી પૂરી થતાં જ ખેડૂતોને અપાતી વિજળીમાં ઘટાડો કરી દેવાયો છે. ખેડૂતો માટે તો ગરજ સરીને વૈદ વેરી જેવો ઘાટ સર્જાયો છે. સરકારે પણ જાણે પોતાની અસલિયત દેખાડી છે. ખેડૂતોને હવે દસ કલાક નહીં પણ આઠ કલાક વિજળી અપાઇ રહી છે.
એક તરફ, આ વર્ષે ઓછો વરસાદ વરસતાં ડેમોમાં પાણી નથી પરિણામે ખેડૂતોને સિંચાઇનુ પાણી આપવાનુ ય બંધ કરાયુ છે. પણ જે ખેડૂતો ટયુબવેલ-બોરવેલ આધારિત ખેતી કરે છે તેને ય હવે ખેતી કરવી મુશ્કેલ બન્યુ છે તેનુ કારણ છેકે, વિજળી વિના જમીનમાંથી પાણી ખેંચવુ કઇ રીતે .
ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયશ પટેલ જણાવ્યું કે, એપ્રિલના બીજા સપ્તાહથી ખેડૂતોને દસેક કલાક વિજળી મળી રહી હતી પણ ચૂંટણી પૂરી થયાં બાદ અપુરતી વિજળી આપવાનુ શરુ કરાયુ છે. ૧૧મી મેથી ખેડૂતોને આઠ કલાક વિજળી અપાઇ રહી છે. ખેડૂતોને ૨ કલાક ઓછી વિજળી અપાઇ રહી છે.
સિંચાઇના પાણીનો અભાવ છે. ખાતરમાં ય ખેડૂતો સાથે છેતરપીંડીં થઇ રહી છે. બિયારણ પણ નકલી બજારમાં મળવા માંડયુ છે. પાક ઉત્પાદનના પુરતા ભાવો મળતાં નથી. અનેકવિધ સમસ્યાથી પિડીત ખેડૂતો માટે આજે ખેતી કરવી અઘરી બની છે ત્યાં હવે વિજળી ય અપુરતી મળી રહી છે જેના કારણે ટયુબવેલમાંથી પાણી મેળવી ખેતી કરતાં ખેડૂતોની મૂંઝવણ વધી છે.
પાણી વિના ખેતઉત્પાદન પર અસર થવાની શક્યતા છે.સરકારની ખેતવિરોધી નીતિને કારણે ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે. ગુજરાત ખેડૂત સમાજનુ પ્રતિનીધીમંડળ દક્ષિણ ગુજરાત વિજકંપનીના એમડીને મળીને દસેક કલાક વિજળી આપવા રજૂઆત કરશે.