1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 19 નવેમ્બર 2019 (12:55 IST)

પાકવીમા મામલે હવે કાનૂની જંગ: 400 ખેડૂતોએ હાઈકોર્ટમાં ઘા નાંખી

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે લાંબુ ચોમાસુ તથા કમોસમી વરસાદથી ખેત ઉત્પાદનને મોટો ફટકો છે, સામે પાકવીમા મુદે કિસાનોમાં જબરો આક્રોશ પ્રવર્તી રહ્યો છે. બે વર્ષ પુર્વેના પાક વીમામાં પણ હજુ ઠાગાઠૈયા છે ત્યારે 400 જેટલા ખેડુતો હાઈકોર્ટમાં પહોંચ્યા છે. પાક વીમા મુદે કાનુની જંગ માંડયો છે તે પૈકી એક કેસમાં વડીઅદાલતે રાજય સરકાર તથા વીમા કંપનીને નોટીસ ઈસ્યુ કરી છે.
2017માં અત્યધિક વરસાદ થવાના કારણે પાકનુ ધોવાણ થયુ હતું. ખેડુતોને મોટી આર્થિક નુકશાની થઈ હતી. વીમા કંપની સમક્ષ નુકશાની વળતર માટે દાવા કરવામાં આવ્યા હતા. પરંતુ વીમા કંપનીઓએ તે નકારી કાઢયા હતા અથવા મામુલી વળતર મંજુર કર્યુ હતું. આ મામલે વડીઅદાલતે સરકાર, વીમાકંપની સહિતના પક્ષકારોને નોટીસ ફટકારી છે અને વધુ સુનાવણી નવેમ્બરના અંતમાં મુલત્વી રાખી છે.
રાજકોટ નજીકના ચોટીલા પંથકના અંદાજીત 400 ખેડૂતોનો પાક વીમો મંજુર થયો ન હતો. નુકશાની વળતરનો દાવો ફગાવી દીધો હતો. તેઓએ જુદા-જુદા સમયે અલગ-અલગ રીટ પીટીશન દાખલ કરી હતી અને નુકશાની વળતર માટે વીમા કંપનીઓને આદેશ કરવાની માંગ કરી હતી. આ પૈકીનો એક કેસ હાઈકોર્ટના જસ્ટીસ બી.ડી.કારીયા સમક્ષ સુનાવણીમાં આવતા તેઓએ સરકાર તથા વીમા કંપનીને નોટીસ ફટકારી છે.
હાઈકોર્ટમાં 400 ખેડૂતોએ પાક વીમા માટે કરેલા દાવાના કેસ બે વર્ષ જુના છે. પરંતુ ચાલુ વર્ષે પણ પાક વીમા મામલે જબરો ઉહાપોહ હોવાના કારણોસર મુદો મહત્વપૂર્ણ બની રહે તેમ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસુ લાંબુ ચાલ્યુ હતું અને ત્યારપછી પણ વાવાઝોડા સહિતની હવામાન સિસ્ટમોને કારણે કમોસમી વરસાદ વરસતા રહ્યો હતો. કૃષિક્ષેત્રને મોટી નુકશાની છે. માલની કવોલીટીમાં મોટો બગાડ થયો હોવાથી ખેડુતોને આર્થિક ફટકો છે. 
ખેડુતોના ભારે આક્રોશને કારણે રાજય સરકારને 700 કરોડનું પેકેજ જાહેર કરવુ પડયુ છે. પરંતુ તેનાથી પણ સંતોષ નથી એટલે સરકાર નવી સહાય માટે બેઠકોનો દોર કરી રહી છે. વીમા કંપનીઓ સાથે પણ સતત બેઠક કરી રહી છે. પાક વીમો ઓછો મંજુર થતો હોવાના કારણોસર કેન્દ્ર સરકારનું પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. ધનજીભાઈ દુધરેજીયા સહિત 11 ખેડુતોએ પોતાના વકિલ મારફત નવી અરજી દાખલ કરી છે. તેઓએ અદાલતને એમ કહ્યું છે કે 2017 પુર્વે જ પાક વીમો ઉતાર્યો હતો અને પુર્ણ પ્રીમીયમ ભર્યુ હતું. છતાં પાકવીમો મંજુર કરવામાં આવ્યો નથી.