શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (23:23 IST)

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને 10 કલાક વીજળી મળશે, ડેમોમાંથી સિંચાઈ માટે પાણી છોડાશે

Sujalam Suflam Water Reservoir Campaign
સુજલામ સુફલામની 14 પાઈપલાઈનમાં માગ અનુસાર પાણી છોડાશે
ખેડૂતોએ સરકાર પાસે 10 કલાક વીજળી અથવા તો તળાવ ભરવા માટે કેનાલથી પાણી આપવાની માંગ કરી હતી
 
 
અમદાવાદઃ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડા બાદ સમગ્ર રાજ્યને મેઘરાજાએ ધમરોળી નાંખ્યું હતું. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ હતી. બીજી બાજુ ઓગસ્ટ મહિનો આખો કોરો ધાકોર જતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો છે. વરસાદ ખેંચાતા ચોમાસુ વાવેતર નિષ્ફળ જવાની ભિતી ખેડૂતોને સતાવી રહી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ ઓછો થવાથી પાણીની તંગી વર્તાઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં ખાસ કરીને સરહદી ગામડાઓમાં પાણીનો પોકાર સર્જાયો છે. ખેડૂતોએ સરકાર પાસે 10 કલાક વીજળી અથવા તો તળાવ ભરવા માટે કેનાલથી પાણી આપવાની માંગ કરી છે. રાજ્યમાં 28 ઈંચ વરસાદ જ થયો છે. ત્યારે હજી વરસાદની ઘટ હોવાથી પશુપાલકો અને ખેડૂતોમાં ચિંતા સળવળી રહી છે. રાજ્ય સરકારે હવે વીજળી અને પાણી માટે મહત્વની જાહેરાત કરી છે. 1 તારીખથી ખેડૂતોને વધારાની 2 કલાક વીજળી મળશે.
 
નર્મદા ડેમ સિવાયના ડેમોમાંથી પણ પાણી અપાશે
ગુજરાતમાં વરસાદ ખેંચાતા ઉભા પાકને હાલ પાણીની વધુ જરૂર હોવાથી ખેડૂતોને 10 કલાક વીજળી આપવાનો નિર્ણય કરાયો છે. જેમાં કપાસ મગફળી અને ડાંગરના પાકને મહત્વ અપાશે. ખેડૂતો અને કૃષિ મંત્રી તરફથી પણ 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાની રજૂઆતો આવી છે. જે સંદર્ભે રાજ્ય સરકારે વીજળી અને પાણી આપવાની જાહેરાત કરી છે. જેના કારણે કચ્છ, મહેસાણા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજકોટ અને જામનગરને 10 કલાક વિજળી અપાશે. આ સિવાય અમદાવાદ, દ્વારકા, બનાસકાંઠા, જૂનાગઢ અને સાબરકાંઠાનો પણ સમાવેશ થાય છે. રાજ્ય સરકારની આ જાહેરાતથી 12 લાખ ખેડૂતોને ફાયદો થશે. ડાંગર, મગફળી અને કપાસના પાકોને ફાયદો થશે. સરકારે જણાવ્યું છે કે, જ્યાં પાણી માગવામાં આવશે ત્યા સિંચાઈ માટે પાણી આપવામા આવશે. નર્મદા ડેમ સિવાયના ડેમોમાંથી પણ પાણી આપવામા આવશે.1 તારીખથી ખેડૂતોને વધારાની 2 કલાક વીજળી મળશે.