શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. મારુ ગુજરાત
  3. રાજકોટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 ઑગસ્ટ 2023 (13:14 IST)

રાજકોટની તમામ સ્કૂલોમાં વાલીઓને ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંધ, ટુંક સમયમાં ગાઈડલાઈન જાહેર થશે

dress code for parents
dress code for parents
શાળા સંચાલક મંડળે કહ્યું છે કે શાળા પરિસરમાં પણ શિસ્ત કેળવાય તે પણ દરેક વાલીએ જોવું જોઈએ
 
Short Clothing Is Prohibited ગુજરાતમાં મંદિરોમાં ટુંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે હવે રાજકોટની તમામ સ્કૂલો દ્વારા પણ વાલીઓ માટે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ મૂકવા માટે જાય અથવા વાલી મીટિંગ માટે જાય ત્યારે ટૂંકા વસ્ત્રો કે પછી નાઇટ ડ્રેસ પહેરીને ના જાય. શાળા સંચાલક મંડળે કહ્યું છે કે જાહેર જગ્યાએ ઔચિત્ય જળવાય તે જરૂરી છે એવી જ રીતે શાળા પરિસરમાં પણ શિસ્ત કેળવાય તે પણ દરેક વાલીએ જોવું જોઈએ. 
 
વાલીઓ ગરીમા પૂર્ણ ડ્રેસ કોડમાં હોતા નથી
સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ ડી.વી.મહેતાએ મીડિયાને કહ્યું હતું કે, અમારા ધ્યાનમાં આવેલું છે કે અમુક વાલીઓ જ્યારે પણ તેમના બાળકોને શાળાએ લેવા કે મુકવા આવે તો ખાસ કરીને વહેલી સવારે અથવા તો શાળાની કોઈ મીટિંગમાં આવે ત્યારે ગરીમા પૂર્ણ ડ્રેસ કોડમાં હોતા નથી. અમુક વાલીઓ બરમુડા પહેરીને આવે છે, શોર્ટ્સ પહેરીને આવે છે, નાઇટ ડ્રેસ પહેરીને આવે છે.  
 
વાલીઓને ટૂંક સમયમાં જ માર્ગદર્શિકા અપાશે
આવા વાલીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ શાળાના સંકુલની ગરીમા જળવાય તે પ્રકારના વસ્ત્રો પહેરીને આવે.તેઓએ કહ્યું કે, કપડા સિવાય વાલીઓ પાન-માવા ખાઇને પણ તેમના બાળકોને શાળાઓમાં મુકવા અથવા તો શાળાની મીટિંગમાં ન આવે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આવા વાલીઓને ખાસ વિનંતી કરવામાં આવે છે. વધુમાં તેઓએ જણાવ્યું છે કે, ડ્રેસ કોડનું ધ્યાન ન રાખતા વાલીઓને ટૂંક સમયમાં જ માર્ગદર્શિકા પણ આપવામાં આવશે.