બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 16 ડિસેમ્બર 2021 (15:58 IST)

Omicron in Gujarat - ગુજરાતમાં પાંચમો કેસ વિજાપુરના પિલવાઈમાં નોંધાયો, કોરોના સંક્રમિત સાસુ-વહુમાંથી વહુનો રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં ઓમિક્રોન વેરિયન્ટના કેસમાં વધારો થઇ રહ્યો છે. જામનગર અને સુરતમાં નોંધાયા બાદ હવે આ વેરિયન્ટ ગામડામાં પણ પહોંચી ગયો છે. મહેસાણા જિલ્લામાં ઓમિક્રોન વેરિયન્ટનો પ્રથમ કેસ સામે નોંધાયો છે. જિલ્લાના વિજાપુરના પિલવાઈમાં 6 દિવસ અગાઉ એક જ ઘરમાં રહેતાં સાસુ-વહુને કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેને લઈ તંત્ર દોડતું થયું હતું. ત્યારે આ બન્નેમાંથી વહુનો કેસ ઓમિક્રોન પોઝિટિવ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં ઓમિક્રોનનો પાંચમો કેસ નોંધાયો છે. 
 
આ પહેલાં જામનગરમાં ત્રણ અને સુરતમાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો હતો.પિલવાઈમાં રહેતી 43 વર્ષીય મહિલાના પતિના નિધન બાદ શોક સભામાં અનેક લોકો આવ્યા હતા, જેમાં સાસુ તેમજ વહુને સામાન્ય લક્ષણો દેખાતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યા હતા, જેમાં બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. ત્યાર બાદ જિલ્લા આરોગ્યતંત્રએ તેમને હોમ ક્વોરન્ટીન કર્યાં હતાં.પિલવાઈ ખાતે રહેતી 43 વર્ષીય મહિલાનાં સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યાં હતાં, જ્યાં તેનો રિપોર્ટ ઓમિક્રોન પોઝિટિવ આવ્યો છે. મહિલાને હાલ વડનગર મેડિકલ કોલેજ ખાતે સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે. જિલ્લા આરોગતંત્રના જણાવ્યા પ્રમાણે, હાલમાં ઓમિક્રોન કેસ મહેસાણા જિલ્લામાં નોંધાયો છે. મહિલાને સારવાર અર્થે મોકલી આપવામાં આવી છે.ઓમિક્રોન પોઝિટિવ આવેલી મહિલાની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. મહિલાનાં સ્વજનોમાં ઝિમ્બાબ્વેથી આવેલાં પરિવારજનો એક બેસણાના પ્રસંગે મળ્યાં હતાં. ઝિમ્બાબ્વેથી આવેલાં સ્વજનોનો ત્રણ-ત્રણ વખત રિપોર્ટ કર્યા બાદ પણ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.