મંગળવાર, 28 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 નવેમ્બર 2018 (15:25 IST)

અમદાવાદમાં મોટાભાગના ટ્યૂશન ક્લાસીસમાં ફાયરની એનઓસી નથી

સુરતમાં એક કોમ્પ્લેક્સમાં આગ લાગતાં કોમ્પ્લેક્સમાં આવેલા ટ્યૂશન ક્લાસમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું અને એક શિક્ષક તેમ જ 3પથી વધુ વિદ્યાર્થીઓ ગૂંગળાઈ ગયા હતા. આ બનાવને પગલે અમદાવાદ શહેરનું તંત્ર સફાળું જાગ્યું છે. બિલાડીના ટોપની જેમ શહેરમાં ફૂટી નીકળેલા બંધ ડબ્બા જેવા વેન્ટિલેટર વગરના હજારો ટ્યૂશન કલાસ વિદ્યાર્થીઓ માટે સલામતીના મુદ્દે ખતરાની ઘંટી સમાન છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં 90 ટકા કોચિંગ ક્લાસમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન થતું હોવાનો આક્ષેપ ખુદ વાલીઓ જ કરી રહ્યા છે. શહેરમાં અંદાજે ત્રણથી ચાર હજાર જેટલા કોચિંગ ક્લાસ આવેલા છે અને તે પૈકી 80 ટકા પાસે ફાયર એનઓસી જ નથી. ગલી ગલીમાં ધમધમતા ખાનગી કોચિંગ ક્લાસીસની નોંધણી માટે અત્યારે કોઈ ઓથોરિટી જ નથી. આગના બનાવ વખતે કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાઈ જાય તેમ છે. આ સિવાય પણ કોઈ મંજૂરી કે સુરક્ષાના ધારાધોરણો મુજબ નહીં ચાલતા સેંકડો કોચિંગ કલાસીસના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થતો હોઈ ખાનગી કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થીઓની સુરક્ષા જળવાય તે માટેનાં પગલાં લેવા માટે વાલીઓ ડીઈઓ કચેરી સ્કૂલની જેમ કોચિંગ ક્લાસનું પણ મોનિટરિંગ કરે તેવી રજૂઆતો કરી રહ્યા છે. ધોરણ 10 અને 1ર ઉપરાંત મેડિકલ અને એન્જિનિયરિંગના કોર્સમાં એડમિશન લેવા માટે એન્ટ્રન્સની તૈયારી માટે ખાનગી કોચિંગ ક્લાસ ચાલે છે. કેટલાક જ નહીં મોટા ભાગના કલાસીસ રહેણાક વિસ્તારોમાં આવેલા છે. ઘણા ખરા કોચિંગ ક્લાસીસમાં ફાયર સેફટી છે, પરંતુ આગના મોટા બનાવ વખતે વિદ્યાર્થીઓને બહાર નીકળવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી. અમુકમાં તો આવનજાવન માટે પણ માત્ર એક જ રસ્તો છે. વિદ્યાર્થીઓ માટે જોખમી સાબિત થાય તેમ છે.