શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 20 માર્ચ 2020 (06:15 IST)

અંબાજી, સોમનાથ, પાવગઢ સહિત રાજ્યના મંદિરો તા.૩૧ માર્ચ સુધી રહેશે બંધ

સમગ્ર વિશ્વમાં ચાલતા કોરોનાની મહામારી વચ્ચે આખરે ભારતમાં હવે ગુજરાતમાં પણ કોરોનાએ ધામા નાખી દીધાં. રાજ્યમાં કોરોનાનાં બે પોઝિટીવ કેસ સામે આવ્યાં છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ કે જે પોઝિટીવ આવ્યાં છે. કોરોનાને લઈને સુરત અને રાજકોટમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગુજરાતના યાત્રાધામો અંબાજી મંદિર, સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, ખોડલધામ, પાવાગઢ સહિતના મંદિરો બંધ કરી દેવામાં આવ્યા છે. આ તમામ મંદિર માર્ચ સુધી બંધ રહેશે. 
અંબાજી જીલ્લા બનાસકાંઠા ખાતે આવેલ શ્રી અંબાજી મંદિર એ શકિતપીઠ છે. માઁ અંબા સાક્ષાત સ્વરૂપે બિરાજમાન છે અને કરોડો ભકતોની શ્રધ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે . દર વર્ષે લાખો ભકતો માતાજીની આરાધના કરવા અંબાજી આવે છે. મંદિર ટ્રસ્ટ અને જીલ્લા વહીવટીતંત્ર તેમજ જીલ્લા પોલીસ તંત્ર આવનાર યાત્રાળુઓને તકલીફ ન પડે તે માટે સતત પ્રયત્નશીલ હોય છે.તા . ૨૧ અને ૨૨ માર્ચ, ૨૦૨૦ના રોજ શનિ – રવિવાર આવે છે તથા તા.૨૫/૦૩ /૨૦૨૦ થી ચૈત્રી નવરાત્રિ શરૂ થાય છે .
યાત્રાધામ દ્વારકાધીશ જગત મંદિર આવતા પ્રવાસીઓનો સંખ્યામાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. મોટા ભાગે દ્વારકા જગત મંદિર તરફ જતા રસ્તાઓ સૂમસામ જોવા મળી રહ્યા છે. જગત મંદિર આવતા ભાવિકોને જીવલેણ વાયરસથી બચાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ મંદિરો બંધ કરવાનો આદેશ આપી દીધો છે. દ્વારકાધીશ મંદિર સહિત બેટ દ્વારકા નાગેશ્વર અને હર્ષદના મંદિર બંધ રહેશે. જગત મંદિરમાં માત્ર ધજા ચડાવનારના માત્ર ૨૫ લોકો જ દર્શન કરી શકશે. મંદિરના નિત્ય કર્મ ભીતરમાં એટલે કે અંદર રાબેતા મુજબ થશે. પરંતુ સામાન્ય જનતા માટે મંદિરમાં પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. 
 
તો આ તરફ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદીર તેમજ સ્વયંભૂ જુના સોમનાથ મંદીર બંધ રહેશે. ગુરૂવારની સંધ્યા આરતી બાદ ૩૧ માર્ચ સુધી મંદીર બંધ રહેશે. સોશીયલ મીડીયાના માધ્યમથી દર્શનાર્થીઓ મહાદેવના દર્શન કરે તેવી સોમનાથ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી છે. www.somnath.org વેબસાઈટ પર અથવા સોમનાથ એપ, ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર ઘરે બેસી આરતીનો લાભ લઈ શકાશે.