1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (08:55 IST)

અમદાવાદ-ડીસા-જયપુર તેમજ રાજસ્થાનના અન્ય વિસ્તારોને સરળ એર કનેકટીવીટી સુલભ થશે

ઉડાન ૩.૦ અંતર્ગત જામનગર-હૈદરાબાદ,જામનગર- બેંગલુરુ વિમાની સેવાનો શુભારંભ
જામનગરને આજે વધુ એક નવી ઉડાન મળી છે. જામનગરના વિકાસમાં વધુ એક મોરપંખનો ઉમેરો કરતાં ભારત સરકારની ઉડાન યોજના અંતર્ગત જામનગરથી આજે જામનગર-બેંગલુરુ અને જામનગર-હૈદરાબાદ વિમાની સેવાનો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા વર્ચ્યુઅલી ફ્લેગ ઓફ કરાવી સેવાનો શુભારંભ કરાયો હતો.
 
આ તકે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ગુજરાત સાથેના પારિવારિક સંબંધોને યાદ કરી ગુજરાતને હવાઈ જોડાણનો વધુમાં વધુ લાભ મળે તે માટે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાથે ખાસ ચર્ચા પણ કરી હતી. જામનગરની પ્રમુખતા, જામનગરના ગર્વ સમાન હાલારી પાઘડી અને સંરક્ષણ દળ, ખાડી વિસ્તારમાં જામનગરની ભૌગોલિક પરિસ્થિતિ વગેરે બાબતે જામનગરની શાનને જણાવી જામનગર અને આસપાસના વિસ્તારને વધુ સારી એર કનેક્ટિવિટીનો લાભ મળશે તે માટે કટિબદ્ધતા દર્શાવી હતી. જામનગર એર એન્કલેવ માટે પણ ૧૩ કરોડની રાશિ આપવામાં આવી છે જેના થકી આધુનિક કામગીરી થઇ રહી છે.
 
જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉડાન યોજના દ્વારા ભારતના નાના શહેરોને એક નવી ઉડાન મળી છે તેમ કહી જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ૨૦૨૪-૨૫ સુધીમાં નવા ૧૦૦૦ એર રૂટ અને નવા ૧૦૦ એરપોર્ટ બનાવવા નિશ્ચિત કરવામાં આવ્યું છે, જેમાંના ૩૬૩ રૂટ ચાલુ થઇ ચૂક્યા છે અને ૫૯ એરપોર્ટ બની ચૂક્યા છે ત્યારે આગામી લક્ષ્યમાં ગુજરાતને વધુ ૧૦ નવી ફ્લાઇટ મળી શકે છે જે અંગે ગુજરાત નાગરિક ઉડ્ડયન મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને કેન્દ્રીય મંત્રીએ સકારાત્મક સંકેત આપ્યા છે.
 
ગુજરાત રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જામનગરને મળેલી નવી બે સેવાઓ દ્વારા જામનગરના એમ.એસ.એમ.ઇ. સેક્ટરને ખૂબ લાભ થશે તેમજ જામનગર નજીક દ્વારકા સાથે પ્રવાસન પણ જોડાયેલું છે ત્યારે આ વિમાની સેવા દ્વારા પ્રવાસનનો પણ ખુબ વ્યાપ વધશે તેમ જણાવ્યું હતું.
 
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કેન્દ્રીય મંત્રીશ્રી જ્યોતિરાદિત્ય સીંધીયાનો આભાર વ્યકત કરવા સહ બીજા ૮ રૂટ અમદાવાદથી મીઠાપુર, અમદાવાદથી કેશોદ, ભાવનગરથી પુને, કેશોદથી મુંબઇ, સાબરમતી રીવરફ્રન્ટથી શેત્રુંજય ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનીટીથી સુરત, વડોદરાથી દિવ અને સુરતથી દિવ એવા છે કે જે ઓપરેશનલ થવાના બાકી છે અને કુલ ૭ રૂટ અમદાવાદથી ભાવનગર, અમદાવાદથી દિલ્હી, અમદાવાદથી જામનગર, અમદાવાદથી મુન્દ્રા, સુરતથી જેસલમેર, જામનગરથી દિલ્હી અને સાબરમતી રીવરફ્રન્ટથી સ્ટેચ્યુઓફ યુનીટી એવા છે કે, હાલ પુરતા બંધ છે. આ રૂટને પણ જલ્દી થી જલ્દી શરૂ કરવામાં આવે એવી મંત્રીને વિનંતી કરી હતી. સાથે જ શેત્રુંજ્ય ડેમથી સી-પ્લેન સેવા શરૂ કરવા માટે નવી સાઇટનુ ફીઝીબીલીટી સર્વે કરીને ઝડપથી આ જગ્યાએથી સી-પ્લેન સેવા શરૂ કરવા કેંન્દ્રીય મંત્રીને આગ્રહ કર્યો હતો. 
 
વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે એવીએશન પાર્ક અને એવીએશન SEZ તેમજ એરકાર્ગો શરૂ કરવા માટે ગુજરાત સરકારે ટેકનો ઇકોનોમી ફીઝીબીલીટીની કામગીરી હાથ ધરેલ છે. ઉપરાંત કેશોદ એરપોર્ટને પણ જેમ બને તેમ જલ્દીથી કાર્યરત કરીને અમદાવાદથી કેશોદ અને કેશોદથી મુંબઇની ફલાઇટ શરૂ કરવા તેમજ હાલમાં આર.સી.એસ. ઉડાન-૨.૦ અંતર્ગત ટ્રુ જેટ મારફત સવારની એક ફલાઇટ અમદાવાદ-પોરબંદર-અમદાવાદને બહોળો પ્રતિસાદ મળતાં આ રૂટ ઉપર બીજી ફલાઇટ પણ શરૂ કરવા અનુરોધ કર્યો હતો. 
 
હાલમાં ગુજરાત સરકાર દ્વારા આર.સી.એસ. ઉડાન હેઠળ આવતી તમામ ફલાઇટ માટે વપરાતા એટીએફ ઉપર લાગતા વેટનો દર એક ટકો કરવામાં આવેલ છે ત્યારે ઉત્તર ગુજરાતમાં એર કનેકટીવીટી વધે તે માટે ડીસા એરપોર્ટને રાજ્ય સરકારને હસ્તક સોંપવા અને એરપોર્ટ કાર્યરત કરી અમદાવાદ-ડીસા-જયપુર તેમજ રાજસ્થાનના અન્ય વિસ્તારોને સરળ એર કનેકટીવીટી તથા મહેસાણા અને અમરેલી એરપોર્ટને પણ આર.સી.એસ. હેઠળ સમાવેશ કરીને ફલાઇટ શરૂ કરવા વિશે અનુરોધ કરી ગુજરાત એર કનેક્ટીવિટીમાં વધુ સજ્જ બને તે માટે ગુજરાત સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.
 
આ પ્રસંગે જામનગરના સાંસદ પૂનમબેન માડમ એરપોર્ટ ખાતે પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જામનગર એરપોર્ટ એ સૌથી જૂનું એન્ક્લેવ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આજે જામનગરને ઉડાન યોજના દ્વારા નવી પાંખો મળી છે, ત્યારે ઉડાન યોજના દ્વારા હૈદરાબાદ-બેંગલોરની ફ્લાઈટ સાથે ભારતના નાના શહેરોને એર કનેક્ટિવિટી સાથે જોડવાની પ્રધાનમંત્રીની નેમને સાકાર કરવા માટેનું વધુ એક પગલું આગળ ભરાયું છે.
 
જામનગર એમ.એસ.એમ.ઈ, રિલાયન્સ રિફાઇનરી, પ્રવાસનની દ્રષ્ટીએ પણ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે તેથી જામનગરના નાગરિકો વ્યાપાર અને ટુરિઝમ માટે વિમાની સેવાઓનો ઉપયોગ કરે છે ત્યારે જામનગરની સમગ્ર દેશ સાથે જોડવા માટેની આગવી પહેલ થકી પ્રધાનમંત્રી શ્રીના“સબ જુડે સબ ઉડે” સંદેશને ચરિતાર્થ કરવામાં આવ્યો છે.
 
“હવાઇ ચપ્પલ સે હવાઈ સફર તક’ના વિચાર સાથે પ્રધાનમંત્રીએ સામાન્ય માણસને પણ એર કનેક્ટિવિટીનો લાભ મળે તેવું સ્વપ્ન સેવ્યું છે. આ સ્વપ્નને પરિપૂર્ણ કરવા આગામી વર્ષોમાં ભારતમાં નાના શહેરોને જોડીને નવા અનેક રૂટ દ્વારા ભારત એર કનેક્ટિવિટીમાં પણ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરશે તેમજ જામનગર એરપોર્ટ અને એરફોર્સના પ્રશ્ન અંગે જલદી નિર્ણય લઇ જામનગરને વધુ સુવિધાયુક્ત બનાવાશે. સાંસદે જામનગર ખાતે ફ્લાઇટને વેવ ઓફ કરી રવાના કરી હતી.