પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદથી વિનાશ
ગુજરાતમાં ઑગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાથી ભારે વરસાદ થઈ રહ્યો છે. તેના કારણે ગુજરાતમાં 2025ના ચોમાસા દરમિયાન 7 સપ્ટેમ્બર સુધીમાં લગભગ 107 ટકા વરસાદ વરસી ગયો છે અને ભારતીય હવામાન ખાતાના કહેવા મુજબ રાજ્યમાં ચોમાસું હજુ પણ સક્રિય છે. તેનો અર્થ એવો છે કે ભાદરવો મહિનો અડધો વીતી ગયો હોવા છતાં રાજ્યમાં હજુ વધારે વરસાદ પડી શકે છે.
પાટણ,બનાસકાંઠા, સાબરકાંઠા સહિતનાં અનેક જિલ્લાઓમાં વરસાદના કારણે ભારે ખાનાખરાબી સર્જાઇ રહી છે. પાટણના સાંતલપુર તાલુકામાં પણ વરસાદે ભારે વિનાશ વેર્યો છે. સાંતલપુરના વોંવા ગામે વરસાદના વિરામ બાદ પણ વોંવા ગામમાં તારાજીના દ્રષ્યો જોવા મળ્યા હતા. જ્યાં જુઓ ત્યાં બસ તબાહીના દ્રશ્યો જ જોવા મળ્યા હતા. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 16 ઇંચથી વધુ પડેલા ધોધમાર વરસાદે વાવ-થરાદ અને સુઇગામ તાલુકામાં ભારે તારાજી સર્જી છે.
જોકે ભાદરવા મહિનામાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હોય તેવો આ પહેલો બનાવ નથી. છેલ્લા એક દાયકામાં માત્ર ત્રણ જ વર્ષ એવાં રહ્યાં છે જ્યારે રાજ્યમાં સપ્ટેમ્બર કરતાં જૂન મહિનામાં વધારે વરસાદ પડ્યો.
ભારતીય હવામાન ખાતાએ હવામાનની દૃષ્ટિએ દેશના નક્કી કરેલા ભૌગોલિક વિભાગોમાં ગુજરાતનો સમાવેશ મધ્ય-ભારત વિસ્તારમાં કર્યો છે અને વરસાદના છેલ્લાં 20 વર્ષના આંકડા દર્શાવે છે કે સપ્ટેમ્બર મહિનામાં વરસાદ વધી રહ્યો છે.