ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 23 જૂન 2021 (13:28 IST)

લોકગાયક વિજય સુવાળા બાદ ભાજપના પૂર્વ નેતા નરોત્તમ પટેલ અને કપડવંજના અપક્ષ કોર્પોરેટર ‘આપ’ જોડાયા

Former BJP leader Narottam Patel
ગુજરાત વિધાનસભાની વર્ષ 2022ની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય બની છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમીની એન્ટ્રી બાદ હવે વિધાનસભામાં પણ ધારાસભ્ય બને તેના માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખેડાના લવાલ ગામના સરપંચ અને સર્વ સેનાના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણના જોડાયા બાદ આજે બુધવારે ખેડા જિલ્લાના પૂર્વ ભાજપના નેતા નરોત્તમ પટેલ તથા કપડવંજના અપક્ષ કોર્પોરેટર મનુભાઈ પટેલ ‘આપ’માં જોડાયા છે.

આમ આદમી પાર્ટીની સક્રિયતાએ ભાજપ-કોંગ્રેસની ચિંતામાં હવે વધારો કર્યો છે. કોરોનાની બીજી લહેર હવે લગભગ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ તજજ્ઞો મુજબ આગામી બે મહિનામાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. આજે આમ આદમી પાર્ટીએ  કોરોનાની ત્રીજી લહેર પહેલા ડોક્ટર ઓન કોલ્સ કાર્યક્રમ અંગેની જાહેરાત કરી હતી. અમદાવાદમાં આમ આદમી પાર્ટીની ડોકટર સેલની ટીમ ઓન કોલ સારવાર અંગે માહિતી આપશે. જેના માટે 7900094242 નંબર જાહેર કરવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટીના ડોકટર સેલના ડો. અર્નિશ પારેખે જણાવ્યું હતું કે ત્રણ સ્લોટમાં MBBS, MD, સાઈકયાટ્રિક, ઇન્ટર્ન ડોકટરો સેવા આપશે. સવારે 10થી 4, બપોરે 2થી 6 અને સાંજે 4થી 6 દરમ્યાન સુવિધા રહેશે. ડોકટર ઓન કોલ્સ સેવામાં માત્ર સામાન્ય લક્ષણ ધરાવતા જ દર્દીઓને સારવાર અંગે માહિતી આપવામાં આવશે. કો-મોર્બિડ દર્દીઓને હોસ્પિટલમાં જ સારવારની જરૂર હોય છે. આમ આદમી પાર્ટીમાં પત્રકાર ઇસુદાન ગઢવીના જોડાયા બાદ પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડવામાં આવી રહ્યાં છે. આજે આમ આદમી પાર્ટીમાં ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક કલાકાર વિજયભાઈ સુવાળા ઉર્ફે ભુવાજી અને ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામના સરપંચ તેમજ સર્વ સમાજ સેના પ્રમુખ મહિપતસિંહ ચૌહાણ જોડાયા છે.

આપ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીમાં નવયુવાનોને જોડવામાં આવી રહ્યા છે. આજે બંને યુવાનો આજે પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જેમનું સ્વાગત કરીએ છીએ. આમ આદમી પાર્ટીમાં વધુમાં વધુ લોકો જોડાય તેવો અમારો પ્રયત્ન રહેશે. ગાયક કલાકાર વિજય સુવાળાએ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીમાં ઈસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિ જેઓ જમીનથી જોડાયેલા છે અને લોકો સાથે જોડાયેલા છે. સમાજમાં દરેક વર્ગને સાથે રાખી ચાલનાર પાર્ટી સાથે આજે જોડાયો છું.