સંબંધિત સમાચાર
- સુરતના લિંબાયતમાં એક મકાનમાં ભીષણ આગ, અત્યાર સુધી 5 લોકોના મોત
- ઉમરેઠ પેટાચૂંટણી: ભાજપે ઉમેદવાર જાહેર કર્યો, જાણો કોણ છે હર્ષદ પરમાર અને શું છે ચૂંટણીનું શિડ્યુલ
- PM મોદીનો ગુજરાત પ્રવાસ: રૂ. 19,800 કરોડના વિકાસકાર્યોની ભેટ, જાણો તેમનો સંપૂર્ણ કાર્યક્રમ
- સ્થાનિક સ્વરાજ ચૂંટણી 2026: ગુજરાતમાં બે તબક્કામાં મતદાનની શક્યતા, 1 કે 2 એપ્રિલે થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની સત્તાવાર જાહેરાત
- ગુજરાતના હાઈવે પર મુસાફરી મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો
ગુજરાત સરકારની મોટી જાહેરાત: ખેત તલાવડી યોજના અંતર્ગત જીઓમેમ્બ્રેન ફીટ કરી આપશે સરકાર, જાણો કેવી રીતે કરશો અરજી
free plastic geomembrane farm pond scheme
રાજ્ય સરકારે ખેડૂતોને સિંચાઈમાં મદદરૂપ થવા માટે ખેત તલાવડીમાં સરકારી ખર્ચે જીઓમેમ્બ્રેન (પ્લાસ્ટિક કવર) ફીટ કરી આપવાની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો ઉપયોગ મુશ્કેલ સમયમાં પાક બચાવવા માટે કરવાનો છે. આ સિસ્ટમથી પાણી જમીનમાં ઉતરી જતું અટકશે, જેથી ખેડૂતો ખરીફ પાક નિષ્ફળ જતો અટકાવી શકશે અને રવિ સીઝનમાં પણ પૂરક સિંચાઈ મેળવી શકશે, જે અંતે ભૂગર્ભજળના સ્તર સુધારવામાં પણ મદદરૂપ થશે.
અરજી પ્રક્રિયા અને પસંદગીની પદ્ધતિ
આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ 15 મે સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવાની શરૂઆત 30 માર્ચથી થઈ ગઈ છે. ફોર્મ ભરાયા બાદ કોઈ વ્હાલા-દવલાની નીતિ નહીં, પરંતુ સંપૂર્ણ પારદર્શક રીતે કમ્પ્યુટરાઈઝ્ડ ઓનલાઈન ડ્રો કરવામાં આવશે. જે ખેડૂતોના નામ ડ્રોમાં ખુલશે તેમને SMS દ્વારા જાણ કરવામાં આવશે અને ત્યારબાદ સરકારી અધિકારીઓ ખેતરની રૂબરૂ મુલાકાત (ફીલ્ડ વેરીફીકેશન) લઈને મંજૂરીની મહોર મારશે.
સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી સાઈઝની મર્યાદા
સરકારે આ યોજનામાં નાણાકીય સહાય માટે ચોક્કસ માપદંડો નક્કી કર્યા છે. વધુમાં વધુ 40 મીટર લંબાઈ, 40 મીટર પહોળાઈ અને 6 મીટરની ઊંડાઈ ધરાવતી ખેત તલાવડી માટે જ સરકાર જીઓમેમ્બ્રેનનો ખર્ચ ભોગવશે. આ માપ મુજબ મહત્તમ 2460 ચોરસ મીટર જેટલું પ્લાસ્ટિક સરકાર તરફથી ફીટ કરી આપવામાં આવશે. જો કોઈ ખેડૂત આનાથી મોટા કદની તલાવડી બનાવશે, તો નિયત મર્યાદાથી વધારાના પ્લાસ્ટિકનો ખર્ચ ખેડૂતે પોતે ભોગવવો પડશે.
અમલીકરણ અને ખેડૂતની જવાબદારી
આ યોજનામાં 'ખાડો ખેડૂતનો અને પ્લાસ્ટિક સરકારનું' એવો અભિગમ રાખવામાં આવ્યો છે. એકવાર ડ્રોમાં નામ પસંદ થઈ ગયા પછી, સિંચાઈ વિભાગ દ્વારા નક્કી કરાયેલા કોન્ટ્રાક્ટર ખેતરમાં આવીને જીઓમેમ્બ્રેન પાથરી જશે. જોકે, પ્લાસ્ટિક પથરાયા બાદ તેની જાળવણી, સફાઈ અને તે ફાટી ન જાય તેની તકેદારી રાખવાની સંપૂર્ણ જવાબદારી જે-તે ખેડૂતની રહેશે. તલાવડીમાં વધુમાં વધુ પાણી સંગ્રહિત થાય તે માટે ખેડૂતે પાયાનું ધ્યાન રાખવું પડશે.
જરૂરી ડોક્યુમેન્ટ્સ અને બાંહેધરી પત્રક
ઓનલાઈન અરજી કરતી વખતે ખેડૂતોએ આધાર કાર્ડની નકલ, જમીનના 7/12 અને 8-અ ના ઉતારા તેમજ સર્વે નંબર જેવી વિગતો તૈયાર રાખવાની રહેશે. આ ઉપરાંત, એક બાંહેધરી પત્રક પણ આપવાનું રહેશે, જેમાં ખેડૂતે સ્વીકારવાનું રહેશે કે તેઓ સ્વખર્ચે તલાવડીનું ખોદાણ કરશે અને ભવિષ્યમાં તેની મરામતની જવાબદારી પણ પોતે જ નિભાવશે. ખેડૂત તલાવડીના મથાળે ૩ મીટર સુધીનો પટ્ટો એન્કરીંગ (પ્લાસ્ટિક ફિક્સિંગ) માટે ગણી શકશે.
