શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 ઑગસ્ટ 2021 (09:29 IST)

આજથી દર ગુરુવારે પેટ્રોલ પંપ માલિકો જથ્થો નહિ ઉપાડે; પેટ્રોલ, ડીઝલ પર વધુ કમિશનની માગ કરાશે

પેટ્રોલ-ડીઝલ અને સીએનજીના વેચાણ પર પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા હાલ ડીલરોને ચૂકવવામાં આવતા કમિશનમાં ઘણા સમયથી વધારો કરાયો નથી, જેથી રાજ્યમાં પેટ્રોલપંપના 4 હજારથી વધારે સંચાલકોએ આંદોલનના મંડાણ માંડ્યા છે. ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અરવિંદ ઠક્કરે જણાવ્યું કે, પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા હાલ પ્રતિ લિટર પેટ્રોલ કમિશન પેટે રૂ.3 ચૂકવાય છે તે વધારી રૂ.6 કરવા, ડીઝલમાં પણ પ્રતિ લિટર કમિશનનો દર રૂ.2થી વધારી 4 કરવા અને સીએનજીમાં પ્રતિ કિલોગ્રામ કમિશનનો દર હાલ જે રૂ.1.50 છે તે વધારીને રૂ.3 કરવાની માગણી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી કરાઈ છે.

તાજેતરમાં અમદાવાદ ખાતે એસોસિએશનની એક બેઠકમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, પેટ્રોલ-ડીઝલ અને સીએનજીમાં કમિશન વધારાની માગણીને સાથે 12મી ઓગસ્ટથી દર ગુરુવારે રાજ્યભરમાં પેટ્રોલપંપના સંચાલકો પેટ્રોલ-ડીઝલનો જથ્થો ઉપાડશે નહીં. દર ગુરુવારે 2 કલાક સીએનજીનું જ વેચાણ બંધ રહેશે.