બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 ડિસેમ્બર 2019 (12:42 IST)

ગૌણ સેવા પસંદગી મંડળે ભોપાળું વાળ્યું : પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીને ગેરરીતિની નોટિસ ફટકારી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થયાના અનેક બનાવો સામે આવ્યા છે. આ તમામ કેસની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના એક સેન્ટર પરથી પરીક્ષામાં ચોરી કરવામાં આવતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સીસીટીવી ફૂટેજોની તપાસ કરીને ગેરરીતિ કરતા પકડાયેલા પરીક્ષાર્થીઓને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન પ્રાંતિજના એક પરીક્ષાર્થીને પણ નોટિસ મળી છે. નવાઈની વાત એ છે કે આ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી જ ન હતી. સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વડરાડ ગામના અપૂર્વકુમાર દિનેશભાઈ પટેલને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક નોટિસ મળી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તા. 17-11ના રોજ લેવાયેલી પરીક્ષામાં ઉમેદવાર સુરજબા હાઇસ્કૂલ યુનિટ-2, બેઠક નંબર 1500216266થી પરીક્ષા આપવા માટે હાજર હતો. આ પરીક્ષામાં પરીક્ષાર્થીએ ગેરરીતિ આચરી હતી. પસંદગી મંડળ તરફથી સીસીટીવી તપાસવામાં આવતા આ વાતનો ખુલાસો થયો છે. આ મામલે તા. 9મી ડિસેમ્બર, 2019ના રોજ ઉમેદવારને રૂબરૂ બોલાવી ખુલાસો આપવા જણાવાયું છે. સાથે એવી સૂચના પણ આપવામાં આવી છે કે જો પરીક્ષાર્થી નિશ્ચિત તારીખ અને સમયે ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ હાજર રહીને યોગ્ય ખુલાસો નહીં કરે તો અવું માની લેવાશે કે તેઓ આ મામલે કંઈ કહેવા માંગતા નથી અને તેમણે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે તેવું માનીને તેમની સામે ફોજદારી સહિત નિયમ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ હકીકત એવી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે યુવકને નોટિસ મળી છે તે અપૂર્વકુમાર પટેલ કંડક્ટર તરીકેની નોકરી કરે છે. એટલું જ નહીં અપૂર્વ પટેલના કહેવા પ્રમાણે પરીક્ષાને દિવસે તે ફરજ પર હાજર હતો.