શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 21 ઑગસ્ટ 2021 (11:53 IST)

રક્ષાબંધન અને જન્માષ્ટીમીના તહેવારોમાં બહેનને આંબાનું વૃક્ષ ભેટમાં આપીએઃ બહેન પિયરનાં વૃક્ષને દિલથી ઉછેરશે

બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ જિલ્લાવાસીઓને અપીલ કરી હતી કે હાલ શ્રાવણ મહિનાનાં પવિત્ર માસમાં રક્ષાબંધન અને જન્માષ્ટરમી જેવા તહેવારો આવી રહ્યાં છે. આ તહેવારોમાં બહેન ભાઇના ઘેર રાખડી બાંધવા આવે અથવા તો જન્માષ્ટઅમીમાં કાનુડો રમવા આવે ત્યારે ભાઇ તરફથી બહેનને કંઇક ભેટ આપવામાં આવતી હોય છે. આ ભેટની સાથે આ વર્ષે બહેનને આંબાનું વૃક્ષ પણ ભેટમાં આપવામાં આવે, એ આંબાના વૃક્ષને બહેન પોતાના સાસરીમાં જઇ વાવશે અને તેના પિયરની યાદ સમા આ વૃક્ષનું જતન કરી તેનો દિલથી ઉછેર પણ કરશે.
 
જેસોર વન અભ્યારણ્યના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કે. એન. ખેરે જણાવ્યું કે, બનાસ ડેરી દ્વારા જેસોર પર્વત પર સીડ બોલ પ્લાન્ટેશન કરી બે લાખ વૃક્ષ બીજનું વાવેતર કરવામાં આવ્યું છે. માટી અને છાણમાંથી બનાવેલા આ સીડ બોલમાં સીતાફળ, બોર, ખેર, કણજા, ખાખરા, કુમટા, ગોરસ આમલી, ગરમાળો અને ગુંદા જેવા ફળાઉ તેમજ જંગલી વૃક્ષોના બીજ મૂકીને તેને અલગ અલગ જગ્યાએ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લીમડાના બીજ (લીંબોળી)ને પણ અલગ અલગ જગ્યાએ રોપવામાં આવ્યા છે. જે વરસાદ પડવાથી આ સીડ બોલમાંથી બીજના અંકુર ફુટશે અને વૃક્ષ બનશે.
 
આ અભિયાનમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઇ રબારી, બનાસ ડેરીના ડિરેક્ટરો, બનાસ ડેરીના એમ.ડી. સંગ્રામસિંહ ચૌધરી, પ્રકૃતિ પ્રેમી સ્વરૂપાભાઇ જોરાભાઇ રબારી, અમીરગઢ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગરભાઇ મોદી, ભરતભાઇ પરમાર, વિજયભાઇ ચક્રવર્તી સહિત બનાસ ડેરી અને વન વિભાગના કર્મચારીઓ, દૂધ મંડળીના સભ્યો, પશુપાલકો અને સારી સંખ્યામાં સ્થાનિક પ્રકૃતિ પ્રેમીઓ જોડાયા હતાં.