1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gold Theft from Bank Locker

વડોદરાના બેંક લોકરમાંથી 45 તોલા સોનું ગાયબ થતા ખળભળાટ, લગ્ન પ્રસંગ પહેલા પરિવાર પાયમાલ

Bank Locker Theft
Bank Locker Theft
શહેરના વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કો-ઓપરેટિવ બેંકમાં સુરક્ષાના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બેંકના લોકરને સૌથી સુરક્ષિત માનતા ગ્રાહકોના વિશ્વાસ પર ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું જ્યારે એક NRI ગ્રાહકના લોકરમાંથી 45 તોલા સોનાના દાગીના રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા.
 

શું છે સમગ્ર ઘટના?

 
મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ પર રહેતા અને બેંકમાં લોકર નંબર 1212A ધરાવતા નરેન્દ્રભાઈ શાહના પરિવારમાં આગામી 18 ફેબ્રુઆરીએ દીકરીના લગ્ન છે. લગ્ન પ્રસંગ માટે દાગીના લેવા જ્યારે તેઓ પત્ની સાથે બેંક પહોંચ્યા અને લોકર ખોલ્યું, ત્યારે તેમના હોશ ઉડી ગયા હતા. લોકરની અંદર રાખેલી એલ્યુમિનિયમની પેટીનું તાળું ગાયબ હતું અને અંદરથી સોનાની બંગડીઓ, લગડી, ચેન અને સિક્કા સહિતના તમામ કિંમતી દાગીના ચોરાઈ ગયા હતા.
 

મેનેજરનો ઉડાઉ જવાબ અને પોલીસ તપાસ

 
ભોગ બનનાર ગ્રાહકે આક્ષેપ કર્યો છે કે, જ્યારે આ બાબતે બેંક મેનેજરને રજૂઆત કરવામાં આવી, ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે મામલો "અંદરો-અંદર ઉકેલી લેવા" દબાણ કર્યું હતું. બેંક કર્મચારીઓના શંકાસ્પદ વર્તનને જોતા ગ્રાહકે તાત્કાલિક બાપોદ પોલીસનો સંપર્ક કર્યો હતો.
 

મુખ્ય પ્રશ્નો જે તપાસનો વિષય છે:

 
- જો લોકરનું મુખ્ય તાળું તૂટ્યું નથી, તો અંદરની પેટીનું તાળું કોણે ખોલ્યું?
- શું બેંકના જ કોઈ કર્મચારીની આમાં સંડોવણી છે?
- સીસીટીવી ફૂટેજમાં કોઈ શંકાસ્પદ હિલચાલ દેખાય છે કે કેમ?
 
આ ઘટના વાયુવેગે ફેલાતા અન્ય લોકર ધારકો પણ ચિંતામાં મુકાયા છે અને મોટી સંખ્યામાં ગ્રાહકો પોતાના લોકર ચેક કરવા બેંક પર ઉમટી પડ્યા છે. હાલ પોલીસ બેંકના રજિસ્ટર અને સીસીટીવીની ઝીણવટભરી તપાસ કરી રહી છે.
 
આગળનો લેખ
Bangladesh Elections:BNPનો ભવ્ય વિજય, 200 ને પાર પહોચ્યો સીટોનો આંકડો, તારિક રહેમાન 36 વર્ષ પછી બનશે પ્રથમ પુરુષ વડા પ્રધાન બનશે