સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2020 (11:26 IST)

GSEB- બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ રોકવા માટે બોર્ડે એપ લોન્ચ કરી

5 માર્ચથી શરૂ થતી ધો-10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે સુરત શહેર અને જીલ્લામાં 1,63,483 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ગેરરીતી રોકવા બોર્ડ દ્વારા એપ લોન્ચ કરાઇ છે તેમજ જિલ્લા દીઠ બે વિજીલન્સ સ્કવોર્ડ ટીમોની નિમણુક કરી છે. બોર્ડની પરીક્ષાઓ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એકશન પ્લાન તૈયાર કરાયો છે. 
સુરત શહેર અને જીલ્લામાં ધો.10 ના 93,605, ધો-12 સા.પ્રવાહમાં 52,618 અને સાયન્સમાં 17,260 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ચાલુ વર્ષે ધો-10 ની પરીક્ષા 6 ઝોનના 50 કેન્દ્રોમાં, ધો-12 સા.પ્રવાહની પરીક્ષા 5 ઝોનના 27 કેન્દ્રો અને 12 સાયન્સની પરીક્ષા 5 ઝોનના 10 કેન્દ્રોમાં યોજાશે. આમ કુલ 16 ઝોનમાં 87 કેન્દ્રોના 516 પરીક્ષા સ્થળોના 5637 બ્લોકમાં કુલ 1,63,483 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષામાં ગેરરીતી રોકવા શિક્ષણ બોર્ડ દ્વારા અધિનિયમ 1972 કલમ 43 હેઠળ સજાની જોગવાઈ કરાઈ છે. ગેરરીતી કરતા ઝડપાનારા વ દોષિત સાબિત થતાં 3થી 5 વર્ષ સુધીની સજા અથવા 2 લાખ સુધીનો દંડ કરાઇ શકે છે અથવા તો બંને સજા પણ થઈ શકે છે. અગાઉ બે વર્ષ સુધીની કેદ અથવા 200 રૂપિયા દંડની જોગવાઈ હતી.
પરીક્ષામાં પેપર ન ફુટે અથવા તકેદારી રાખવા માટે બોર્ડ દ્વારા મોબાઈલ એપ્લીકેશન લોન્ચ કરાઈ છે. જેમાં દરેક સેન્ટરમાં સરકારી અધિકારીની હાજરીમાં પ્રશ્નપત્રનું બંધ કવર ખોલાશે. તે અંગેના ફોટો અને વિડીયો અપલોડ કરવાના રહેશે.
જો પરીક્ષા પહેલા વિદ્યાર્થીને મોબાઈલ કે સાહિત્ય લાવવા બદલ પસ્તાવો થાય તો પરીક્ષાખંડમાં પ્રવેશ કરે તે પહેલા પોતાની પાસેનું સાહિત્ય પશ્વાતાપ પેટીમાં નાખી શકશે, ત્યારબાદ પકડાયેલા વિદ્યાર્થીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.