GSRTC રક્ષાબંધન સ્પેશિયલ: 26થી 30 ઓગસ્ટ વચ્ચે 6500 વધારાની બસો દોડશે; એડવાન્સ બુકિંગ શરૂ
GSRTC bus
રક્ષાબંધન નિમિત્તે GSRTCનો મોટો નિર્ણય તહેવારોના સમયે મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને GSRTC (ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ) દ્વારા રક્ષાબંધન નિમિત્તે 6500 વધારાની બસો દોડાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. નિગમ દ્વારા 26થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં વિવિધ રૂટ પર આ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે, જેથી મુસાફરોને સમયસર અને સુવિધાજનક બસ સેવા મળી રહે.
મુસાફરોની માંગ મુજબ તાત્કાલિક બસો રવાના કરાશે મુસાફરોની સુવિધાને પ્રાથમિકતા આપતા નિગમ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તહેવારના દિવસોમાં બસ સ્ટેશનો પર મુસાફરોની ગીચતા અને માંગના આધારે જે-તે રૂટ પર ત્વરિત વધારાની બસો રવાના કરવામાં આવશે. આ ઉપરાંત, લોકો અગાઉથી પોતાની મુસાફરીનું આયોજન કરી શકે તે માટે એડવાન્સ બુકિંગની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મુખ્ય તીર્થધામો અને શહેરોના રૂટ આવરી લેવાયા આ વધારાની બસો રાજ્યના મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડીયાદ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ માટે દોડાવવામાં આવશે. આ સાથે જ પાવાગઢ સહિતના વિવિધ પ્રખ્યાત પ્રવાસન સ્થળો અને તીર્થધામો તરફ જતા મુસાફરો માટે પણ વિશેષ બસોની સુવિધા પૂરી પાડવામાં આવશે.
ગત વર્ષે 3.33 લાખ મુસાફરોએ લીધો હતો લાભ તહેવારોના સમયે GSRTCની એક્સ્ટ્રા બસ સેવાને મુસાફરો તરફથી દર વર્ષે ભારે પ્રતિસાદ મળે છે. ગત વર્ષે પણ રક્ષાબંધનના તહેવાર પર નિગમ દ્વારા 6,402 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી, જેનો 3.33 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મુસાફરોની સુવિધા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
