મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: હરીન ચાલીહા/દાહોદ , શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (16:06 IST)

દાહોદમાં એક જ પરિવારના 5 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

:દાહોદ શહેરના સુજાઈ બાગ વિસ્તારમાં એક જ પરિવારના 5 લોકોએ સામુહિક હત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આર્થિક સંકડામણથી કંટાળીને પરિવારના પતિએ પત્ની તથા ત્રણ માસુમ દીકરીઓને મીઠાઈમાં ઝેર ભેરવીને ખવડાવ્યું હતું. વહેલી સવારે ઘરમાંથી પાંચેય પરિવારજનોની લાશ મળતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. 
 
મળતી માહિતી અનુસાર સૈફતભાઇ દુધિયાવાલા પોતાના પરિવાર સાથે દાહોદના સુજાઇબાગ વિસ્તારમાં આવેલા બેતુલ એપાર્ટમેન્ટ રહેતા હતા. સૈફતભાઈ ડિસ્પોઝેબલ ડીશનો છૂટક વેપાર કરતા હતા. આજે વહેલી સવારે સૈફતભાઈના પિતાએ તેમના મોબાઈલ પર ફોન કર્યો હતો. વારંવાર ફોન કરવા છતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો. 
તેથી પિતાએ નજીકમાં રહેતી દીકરીને જાણ કરી હતી. જેથી સૈફતભાઈની બહેન સવારે 8 વાગ્યાની આસપાસ ભાઈ સૈફતના ઘરે આવ્યા હતા અને વારંવાર દરવાજો ખખડાવવા છતાં ખોલ્યો ન હતો. જેથી આસપાસના રહીશો પણ ભેગા થઈ ગયા હતા. આવામાં અંદરથી કોઈ જવાબ ન મળતા દરવાજો તોડવામાં આવ્યો હતો. અંદર જઈને જોયું તો તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારના પાંચેય સદસ્યોના મૃતદેહો જમીન પર પડ્યા હતા.   
 
એક જ પરિવારના પાંચ લોકોની આત્મહત્યાના બનાવ બાદ દાહોદ પોલીસ દોડતી થઈ હતી. પોલીસને જમીન પર પડેલા મૃતદેહો મળ્યા હતા. તો સાથે જ જમીન પર મીઠાઈનું ખાલી બોક્સ પણ પડ્યું હતું. જેથી પોલીસને શંકા છે કે, પરિવારે મીઠાઈમાં ઝેર ભેળવીને મોત વ્હાલુ કર્યું હતું. આ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 
 
મૃતકોના નામ
સૈફતભાઈ દુધિયાવાલા (ઉંમર 42 વર્ષ)
મહેઝબીન દુધિયાવાલા (ઉંમર 35 વર્ષ)
અરવા દુધિયાવાલા (ઉંમર 17 વર્ષ)
ઝેનલ દુધિયાવાલા (ઉંમર 16 વર્ષ)
હુસૈના દુધિયાવાલા (ઉંમર 7 વર્ષ)