ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 10 નવેમ્બર 2020 (07:41 IST)

ગુજરાત પેટાચૂંટણી પરિણામ : આજે સી. આર. પાટીલ અને હાર્દિક પટેલનું ભાવિ નક્કી થશે

ત્રીજી નવેમ્બરે ગુજરાતની આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી માટેનું મતદાન થયું. 10 નવેમ્બર, મંગળવારે બિહાર વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોની સાથે-સાથે ગુજરાતની પેટાચૂંટણીનાં પરિણામો આવશે. અબડાસા, લીંબડી મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણ એમ આઠ બેઠકનાં પરિણામોની રાહ જોવાઈ રહી છે. આ પેટાચૂંટણીનાં પરિણામોથી રાજ્યની સરકારના ગણિતમાં ઝાઝો ફેર નહીં પડે, આમ છતાં પરિણામો ભાજપ તથા કૉંગ્રેસ એમ બંને પક્ષો માટે સૂચક મનાઈ રહ્યા છે. 
 
આ ચૂંટણીને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની પરીક્ષા સમાન પણ માનવામાં આવે છે.
એનું કારણ એવું છે કે સી. આર. પાટીલ ભાજપના પ્રદેશાધ્યક્ષ બન્યા અને હાર્દિક પટેલના કૉંગ્રેસના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી એ પછી ગુજરાતમાં પહેલી વખત કોઈ ચૂંટણી યોજાઈ રહી છે. આ ચૂંટણી રસપ્રદ એટલે પણ છે કે રાજ્યસભાની ચૂંટણી વખતે કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં અને ભાજપમાં જોડાઈ ગયા અને એટલે ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા નેતાઓ પૈકી કેટલાકને મેદાનમાં ઉતાર્યા તો સામે કૉંગ્રેસે પક્ષપલટુ નેતાઓને જાકારો આપવાનો મુદ્દો પ્રચારમાં જાળવી રાખ્યો.
 
ભાજપે કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી હતી
 
આઠ બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ડાંગ, કપરાડા, ધારી, ગઢડા અને કરજણનો સમાવેશ થાય છે. આ વખતની ચૂંટણીમાં કૉંગ્રેસે 'પક્ષપલટુ નેતાઓ'ને પાઠ ભણાવવા, બેરોજગારી, ખેડૂતો વગેરેના મુદ્દાને લઈને ચૂંટણી લડી છે. તો સામે પક્ષે સત્તાધારી ભાજપે વિકાસના નામે લોકો પાસે મત માગ્યા હતા. ભાજપે આ પેટાચૂંટણીમાં કૉંગ્રેસમાંથી આવેલા પાંચ ધારાસભ્યોને ટિકિટ આપી છે. 
 
અબડાસા, મોરબી, ધારી, કરજણ અને કપરાડા - આ પાંચ બેઠકો પર ભાજપે એવા ઉમેદવારોને ટિકિટ આપી છે, જેઓ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ચિહ્ન પરથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
 
મોરબી બેઠકની તાસીર
 
1962થી લઈને 2017 સુધી મોરબી બેઠકમાં 13 વખત વિધાનસભાની ચૂંટણી યોજાઈ છે, જેમાં ભાજપે 6 વખત અને કૉંગ્રેસે 5 વખત જીત મેળવી છે.
1967ની વિધાનસભા ચૂંટણીમાં 'સ્વતંત્ર પાર્ટી'ની ટિકિટ ઉપર વી. વી. મહેતા આ બેઠકથી ચૂંટાઈને આવ્યા હતા. 1990માં અપક્ષ ઉમેદવાર બાબુભાઈ પટેલ 14208 મતોથી ચૂંટણી જીત્યા હતા. 'ઇલેકશન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર 2017ની વિધાનસભા ચૂંટણીમાં 1.86%ની પાતળી સરસાઈથી બ્રિજેશ મેરજા ચૂંટાઈ આવ્યા હતા. તેમને 89396 મતો મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર અમૃતિયા કાંતિલાલને 85977 મત મળ્યા હતા. 2017ની વિધાનસભા ચૂંટણી ઉપરાંત કૉંગ્રેસે 1962 અને ત્યારબાદ 1972થી 1980 વચ્ચે યોજાયેલ ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી હતી. વેબસાઇટ અનુસાર 1985માં ભાજપે મોરબી બેઠક કૉંગ્રેસ પાસેથી આંચકી લીધી હતી અને 1990ની વિધાનસભાની ચૂંટણીને જો બાદ કરી નાખવામાં આવે તો 1995થી લઈને સળંગ ચાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અહીં જીત્યો છે.
 
ભાજપ અને કૉંગ્રેસ માટે ગઢડા બેઠક મહત્ત્વની કેમ?
 
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં બોટાદ જિલ્લાની ગઢડા બેઠકનો પણ સમાવેશ થાય છે.ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે.
જે આઠ બેઠકની ચૂંટણી થઈ રહી છે, એમાં એકમાત્ર ગઢડા એસ.સી. અનામત બેઠક છે. આ બેઠક પરથી ભાજપમાંથી પૂર્વ કૅબિનેટમંત્રી આત્મારામ પરમાર ચૂંટણી લડ્યા અને કૉંગ્રેસમાંથી મોહન સોલંકી ઉમેદવાર હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મારુએ ભાજપના આત્મારામ પરમારને હરાવ્યા હતા.
 
ડાંગ અને કપરાડાની આદિવાસી બેઠકો પર ત્રિકોણીય જંગ
 
ભાજપ જો બન્ને બેઠક જીતી જાય તો આદિવાસી વિસ્તારમાં પોતાનું વર્ચસ્વ વધારવાની તક મળશે, જ્યારે કૉંગ્રેસનું માળખું નબળું પડશે. ડાંગ વિધાનસભા બેઠક વર્ષ 1975-2002 સુધી કૉંગ્રેસ પાસે હતી. કૉંગ્રેસના નેતા માધુભાઈ ભોયે વર્ષ 2002 સુધી આ બેઠકથી ચૂંટાઈ આવ્યા હતા. વર્ષ 2007માં ભાજપ ઉમેદવાર વિજય પટેલે માધુભાઈ ભોયેને 7883 વોટથી હરાવી દીધા હતા. વર્ષ 2012માં કૉંગ્રેસની ટિકિટ પર મંગળ ગાવિતે 2422 મતોથી વિજય પટેલને માત આપી હતી.
 
વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓ 768 મતોથી ફરી ચૂંટાઈ આવ્યા હતા.
 
'ઇલેકશન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર ડાંગ વિધાનસભા બેઠકમાં 1,66,443 મતદારો છે, જેમાં 50.13 ટકા પુરુષ મતદારો અને 49.87 ટકા સ્ત્રી મતદારો છે.
આદિવાસી વસતી ધરાવતી કપરાડા બેઠક વર્ષોથી કૉંગ્રેસ પાસે છે. વર્ષ 2002માં જીતુભાઈ ચૌધરી કપરાડા બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા અને ત્યારથી તેમણે સતત આ બેઠક પર જીત મેળવી છે. જિતુ ચૌધરી હવે ભાજપની ટિકિટ પર લડશે.
 
'ઇલેકશન ઇન ઇન્ડિયા' વેબસાઇટ અનુસાર 2,32,230 મતદારો છે, જેમાં 50.61 ટકા પુરુષ મતદારો અને 49.39 ટકા સ્ત્રી મતદારો છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં 84 ટકા મતદારોએ પોતાના મતાધિકારોનો ઉપયોગ કર્યો હતો. કૉંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરી 170 મતોની પાતળી સરસાઈથી ચૂંટણી જીતી ગયા હતા. જિતુભાઈ ચૌધરીને 93,000 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર માધુભાઈ રાઉતને 92,830 મત મળ્યા હતા.
 
2012માં ભાજપના ઉમેદવાર જિતુભાઈ સામે 18,685 વોટથી વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા. ચૂંટણીમાં ભાજપના પ્રકાશ પટેલને 67095 મત મળ્યા હતા અને જિતુભાઈને 85780 મત મળ્યા હતા. 1962ની ચૂંટણીમાં આ બેઠક ધારી-કોડિનાર તરીકે ઓળખાતી અને અનામત (એસ.સી.) હતી. એ સમયે અહીંથી લેઉવા પ્રેમજીભાઈ કૉંગ્રેસમાંથી ચૂંટાઈ આવ્યા હતા. 2017, 1995, 1972, 1967, 1962માં કૉંગ્રેસના ઉમેદવાર અહીંથી ચૂંટાઈને આવ્યા છે. તો 2007, 2002 અને 1998માં ભાજપના ઉમેદવાર ચૂંટાયા હતા. તો એક વાર ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી ઉમેદવાર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા.
 
1962થી શરૂ થયેલી વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીની ચૂંટણીમાં અહીં ભારતીય જનતા પાર્ટીમાંથી ત્રણ વાર ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે. તો કૉંગ્રેસના ઉમેદવારો આ સીટ પરથી પાંચ વાર ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા છે. તો મનુભાઈ કોટડિયા અહીંથી ત્રણ વાર સૌથી વધુ વાર ચૂંટાઈને આવ્યા હતા. તેઓ જનતાપાર્ટી, જનતાપાર્ટી (જેપી) અને કિસાન મજદૂર લોક પક્ષ (કેએલપી)ની સીટ પરથી ચૂંટાઈને આવ્યા હતા. એટલે એક રીતે જોવા જઈએ તો ધારી બેઠક પર કોઈ એક પક્ષનો ઉમેદવાર સતત ચૂંટાઈને આવે એવું બનતું નથી.