ભાવનગરને ₹738 કરોડના વિકાસકાર્યોની ભેટ: કલેક્ટર કચેરીનું લોકાર્પણ અને CMનો માનવીય અભિગમ ચર્ચામાં
Gujarat CM Bhupendra Patel
ભાવનગરના ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા વિકાસકાર્યોના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની એક સહજ ટકોર ચર્ચાનું કેન્દ્ર બની હતી. મુખ્યમંત્રી મંચ પરથી સંબોધન કરી રહ્યા હતા ત્યારે ઓડિટોરિયમમાં એક બાળક રડવા લાગ્યું હતું. કાર્યક્રમમાં ખલેલ ન પડે તે માટે પોલીસકર્મીઓ બાળકની માતાને હોલની બહાર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
રડતા બાળક અને માતા માટે મુખ્યમંત્રીની સહજ ટકોર
આ દરમિયાન મુખ્યમંત્રીનું ધ્યાન આ તરફ ગયું હતું. તેમણે તરત જ પોતાનું સંબોધન અટકાવી પોલીસકર્મીઓને માતા-બાળકને બહાર લઈ જતાં રોક્યા હતા. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બાળક છે, રડશે જ; માતાને હોલમાં બેસવા દો. બાળકના રડવાનો અવાજ સંભળાશે તો પણ વાંધો નથી.
CMના રમૂજી અંદાજથી હોલમાં હાસ્યનું મોજું ફેલાયું
ત્યાર બાદ તેમણે માતાને હળવી શૈલીમાં કહ્યું હતું કે, ‘તમારે બેસવું હોય તો શાંતિથી બેસો, ભલે રડતા હો... એ તો બધાને સંભળાશે!’ મુખ્યમંત્રીની આ વાત સાંભળીને ઓડિટોરિયમમાં હાજર લોકોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું અને તાળીઓથી સમગ્ર હોલ ગૂંજી ઉઠ્યો હતો.
ભાવનગરની સ્વચ્છતા અંગે CMનો રમૂજી સવાલ અને નાગરિકોને શિખામણ
કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ ભાવનગર શહેરની સ્વચ્છતાની પણ પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં ફરતી વખતે સારી સ્વચ્છતા જોવા મળી. જોકે, સફાઈ કર્મચારીઓની હાજરીમાં તેમણે રમૂજી અંદાજમાં સવાલ કર્યો હતો કે, ‘રોજ આવી જ સ્વચ્છતા હોય છે કે આજે હું આવવાનો હતો એટલે ખાસ સફાઈ કરવામાં આવી છે?’ CMની આ ટકોર સાંભળીને કાર્યક્રમમાં હાજર અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોમાં ફરી હાસ્ય ફેલાયું હતું. મુખ્યમંત્રીએ સ્વચ્છતાને માત્ર મહાનગરપાલિકા કે સફાઈ કર્મચારીઓની જવાબદારી ન ગણાવી તેને નાગરિકોના સંસ્કાર સાથે જોડવાની વાત કરી હતી.
ભાવનગરને ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ
‘સેવા, સંકલ્પ અને સમર્પણ’ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર અને જિલ્લાને કુલ ₹738.09 કરોડના 79 વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી હતી. આ પૈકી ₹33 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન જિલ્લા કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહાનગરપાલિકા હેઠળના ₹621.63 કરોડના વિવિધ કામો સહિત માર્ગ-મકાન અને પંચાયત વિભાગના અનેક પ્રોજેક્ટ્સનું ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
પ્રાકૃતિક ખેતી, આરોગ્યની જાગૃતિ અને ‘વિકાસ પણ, વિરાસત પણ’ પર ભાર
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સંબોધન માં નાની ઉંમરે હાર્ટ એટેક અને ડાયાબિટીસ સહિતની બીમારીઓના વધતા જોખમનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાની હાકલ કરી હતી. કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયાએ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ-વે તેમજ ભાવનગર માટે મંજૂર થયેલા ₹650 કરોડના બ્રિજ પ્રોજેક્ટનો ઉલ્લેખ કરીને તેને શહેરના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો. કાર્યક્રમમાં પ્રભારી મંત્રી કૌશિક વેકરિયા, ધારાસભ્યો, કલેક્ટર ડૉ. મનીષ બંસલ, મહાનગરપાલિકા કમિશનર ડૉ. એન.કે. મીના સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં ભાવનગરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
