બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 સપ્ટેમ્બર 2023 (12:44 IST)

ગુજરાત સરકારે કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુંઃ ખેતરના પાકોમાં 33% થી વધુ નુકસાન માટે હેક્ટર દીઠ 8500 ની સહાય ચૂકવાશે

Gujarat Government Announces Agriculture Relief Package:
ગુજરાતમાં સપ્ટેમ્બરના મધ્યમાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં ભારે વરસાદ તથા ઉપરવાસના ભારે વરસાદને કારણે નર્મદા નદીમાં પુર આવતા ખેતી બાગાયતી પાકોને થયેલા નુકસાન અન્વયે રાજ્ય સરકારે ખાસ કૃષિ રાહત પેકેજ 2023 જાહેર કર્યું છે. 16 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભરૂચ, વડોદરા, નર્મદા જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો તેમ જ નર્મદા નદીના ઉપરવાસમાં પણ વરસેલા ભારે વરસાદને કારણે આ ત્રણ જિલ્લામાં ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક નુકસાન તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાના પરિણામે નુકસાનીના પ્રાથમિક અંદાજો સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકારને મળ્યા છે.

આ પેકેજનો લાભ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલ નુકસાનગ્રસ્ત ગામોમાં કૃષિ અને બાગાયતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે.રાજ્યના કૃષિ વિભાગે જાહેર કરેલા આ સહાય પેકેજ અનુસાર ખરીફ 2023-24 ઋતુના વાવેતર કરેલા બિન પિયત ખેતી પાકોમાં 33% કે તેથી વધુ નુકસાન માટે SDRF નોર્મ્સ પ્રમાણે હેક્ટર દીઠ 8500ની સહાય વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. આ ખરીફ ઋતુ 2023-24ના વાવેતર કરેલા પિયત ખેતી પાકો અને વર્ષાયુ બાગાયતી પાકોમાં પણ 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમાનુસાર હેક્ટર દીઠ મળવા પાત્ર રૂપિયા 17 હજારની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી વધારાની સહાય હેકટર દીઠ 8000 પ્રમાણે મળીને કુલ રૂપિયા 25000ની સહાય હેકટર દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે.

બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ નુકસાન માટે SDRFમાંથી મળવાપાત્ર એક્ટર દીઠ રૂપિયા 22500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી પ્રતિ એક્ટર 15000 મળી કુલ 37500  સહાય હેક્ટર દીઠ મળશે. વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં આ સહાય મળશે.બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33% કે તેથી વધુ ઝાડ ઉખડી જવાના, પડી જવાના કે ભાંગી જઈ નાશ પામ્યા હોય તેવા કિસ્સામાં SDRF નોર્મ્સ અનુસાર પ્રતિ હેક્ટર મળવાપાત્ર 22500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળ માંથી હેક્ટર દીઠ વધારાની રૂપિયા 1,02,500 ની સહાય મળીને કુલ 1,25,000 ની સહાય મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં અપાશે. આવી સહાય ખાતા દીઠ મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.સહાય પેકેજનો લાભ લેવા માંગતા અસરગ્રસ્ત ખેડૂતોએ ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે.આવી અરજી VCE કે VLE મારફતે કરવાની રહેશે તેમ જ આ માટે કોઈ ફી કે ચૂકવણું કરવાનું રહેશે નહીં.આવી અરજીઓ ડિજિટલ ગુજરાત પોર્ટલ પર તારીખ 31 ઓક્ટોબર 2023 સુધીમાં કરવાની રહેશે. આ ખાસ કૃષિ રાહત પેકેજ અન્વયે સહાય તેમજ અન્ય આનુષાંગિક ચુકવણી લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં DBTથી ચૂકવવામાં આવશે.