શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (18:37 IST)

પોલીસ વિરૂદ્ધ ફરિયાદ કરવા માટે ગુજરાત સરકારે હાઈકોર્ટમાં હેલ્પલાઈન નંબર આપ્યો

-પોલીસની વિરુદ્ધ જ ફરિયાદ 
- જે નંબર 14449 છે
- પોલીસ સામે ફરિયાદ નોધવા
 
જો કોઈ વ્યક્તિને પોલીસની વિરુદ્ધ જ ફરિયાદ કરવી હોય તો શું કરવું તેવો સવાલ સામાન્ય રીતે ઘણાં લોકોને થતો હશે. પરંતુ ટુંક સમયમાં જ આ બાબતનું સમાધાન આવી શકે છે. ગુજરાત સરકાર તરફથી એડવોકેટ જનરલ દ્વારા મહત્વની વાત કહેવામાં આવી છે. પોલીસ લોકોની સુરક્ષા માટે કામ કરતી હોય છે પરંતુ જો કોઈ વ્યક્તિને ખુદ પોલીસની સામે વાંધો હોય કે પોલીસની દમનથી ત્રસ્ત થઈ રહી હોય તો શું કરવું તેનું સમાધાન હવે ગુજરાતને મળશે. આ માટે એક ખાસ નંબર જાહેર કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ નજીકના સમયમાં સામાન્ય નાગરિક કરી શકે છે. જેમાં પોલીસની વિરુદ્ધ ફરિયાદ કરવી હોય તો તેનો ઉપયોગ કરી શકાશે. 
 
રાજ્ય સરકારને 15 દિવસમાં નંબર શરૂ કરવા સૂચન
પ્રાપ્ત માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત સરકારને એક હેલ્પલાઈન નંબર આપવામાં આવ્યો છે.તેને નજીકના સમયમાં શરુ કરવા માટે સૂચન પણ કરવામાં આવ્યું છે. આ નંબરના આધારે કોઈ વ્યક્તિ પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધ ફરિયાદો માટે તેનો ઉપયોગ કરી શકશે. જે નંબર 14449 છે અને જેને પોલીસ દ્વારા કરાતી ખોટી કામગીરી મામલે ઉપયોગમાં લઈ શકાશે. આ નંબર અંગેની માહિતી ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ આપી છે. કેન્દ્ર સરકાર તરફથી 15 દિવસની અંદર રાજ્ય સરકારને 14449 નંબર શરૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે. 
 
પોલીસ તોડકાંડ કેસ બાદ સરકારે નંબર જાહેર કર્યો
અમદાવાદમાં ઓગણજ પાસે પોલીસે એરપોર્ટથી પરત ફરતા દંપતી સાથે કરેલ તોડકાંડના કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો સંજ્ઞાન લીધું હતું. જેની આજે હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. કોર્ટના ગત આદેશ મુજબ રાજ્ય સરકારે આજે હાઇકોર્ટમાં એફિડેવિટ ઉપર પોલીસ સામે ફરિયાદ નોધવા માટે હેલ્પલાઇન 14449 નંબર આપ્યો હતો. સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે આ નંબર આગામી 15 દિવસમાં ચાલુ કરાશે. ત્યારબાદ જનજાગૃતિ માટે તેની જુદા જુદા માધ્યમો થકી જાહેરાત કરાશે. આ મુદ્દે વધુ સુનાવણી 16 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.