ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 4 એપ્રિલ 2020 (16:59 IST)

ખાનગી ડોક્ટરોને રપ હજાર N-95 માસ્ક ઇન્ડીયન મેડિકલ એસોસિએશનને વિનામૂલ્યે આપવામાં આવશે

રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતીમાં સરકારી તબીબો, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અને આરોગ્યકર્મીઓ સતત ખડેપગે સેવારત છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવા સેવાકર્મીઓ સાથો સાથ રાજ્યમાં નાગરિકોની આરોગ્ય સેવા માટે કાર્યરત રહેલા ખાનગી તબીબોની હેલ્થ સેફટી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અશ્વિનીકુમારે આ નિર્ણયની ભુમિકા આપતાં કહ્યું કે, કોરોના વાયરસના દરદીઓની સારવાર-સુશ્રુષામાં જોડાયેલા સરકારી તબીબો, આરોગ્ય રક્ષાકર્મીઓ, પેરામેડિકલ અને નર્સ વગેરેની સેવાઓ અતિ આવશ્યક છે.
 
આવા સેવા કર્મીઓને પોતાના આરોગ્યનું કોઇ જોખમ ઊભું ન થાય તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આવા સરકારી તબીબી, મેડિકલ સ્ટાફ વગેરેની આરોગ્ય સુરક્ષાના પુરતો પ્રબંધ કરાવેલો છે. મુખ્યમંત્રીએ હવે, રાજ્યના ખાનગી ક્ષેત્રના તબીબોની સ્વાસ્થ્ય સુખાકારીને પ્રાધાન્ય આપતાં એવો નિર્ણય કર્યો છે કે, પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના દવાખાના-કલીનીક-હોસ્પિટલોમાં આવતા પેશન્ટસ-દરદીઓની સારવાર કરતા ખાનગી તબીબોને પણ N-95 માસ્ક આપવામાં આવશે. ઇન્ડીયન મેડિકલ એસોસિયેશનના ગુજરાત પ્રેસિડેન્ટ ડૉ. મોના દેસાઇને આ હેતુસર રપ હજાર N-95 માસ્ક રાજ્ય સરકારે વિનામૂલ્યે પુરા પાડયા છે.
 
કોરોના વાયરસથી સંક્રમિત કે સંભવિત સંક્રમિત દરદીઓની સારવાર દરમ્યાન ખાનગી તબીબોની હેલ્થ સેફટી જળવાઇ રહે અને પ્રવર્તમાન સ્થિતીમાં તેમની સેવાઓ પણ સમાજને મળતી રહે તેની અગત્યતા ધ્યાને લઇને આ નિર્ણય કર્યો છે. તેમણે રાજ્યમાં લોકડાઉનની સ્થિતીના દસમા દિવસે નાગરિકો-પ્રજાજનોને જીવનજરૂરી ચીજવસ્તુઓ સરળતાએ પૂરતી માત્રામાં ઉપલબ્ધ થાય તેવા સુનિશ્ચિત આયોજનની વિગતો આપી હતી.
 
શુક્રવારની સ્થિતીએ રાજ્યમાં ૪૭.૪૪ લાખ લીટર દૂધનું વિતરણ થયું છે. ૧ લાખ ૧ હજાર ૧૮ર કવીન્ટલ કુલ શાકભાજી જેમાં બટાટા, ડુંગળી, ટામેટા અને અન્ય લીલા શાકભાજીનો સમાવેશ થાય છે તેનો આવરો થયો છે. ફળફળાદિની આવક ૧પ,૪૪૦ કવીન્ટલ રહી છે. રાજ્યની તમામ ૭ર શાકમાર્કેટ કાર્યરત છે અને ત્યાંથી આવા શાકભાજી-ફળફળાદિનું રીટેઇલ વેચાણ થાય છે. રાજ્યમાં આવશ્યક સેવાઓ અને ચીજવસ્તુઓ લોકોને સરળતાએ મળી રહે તે માટે જરૂરી વ્યકિતઓ, નાના વેપારીઓ, આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા વ્યકિતઓ વિગેરેને કુલ ર લાખ રપ હજાર પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. 
 
રાજ્યમાં હાલની સ્થિતીમાં નાગરિકો-જરૂરતમંદ વ્યકિતઓને મદદની જરૂરિયાત હોય તો સ્ટેટ કંટ્રોલ હેલ્પલાઇન ૧૦૭૦ અને જિલ્લા સ્તરે ૧૦૭૭ કાર્યરત કરવામાં આવેલી છે. આ હેલ્પલાઇનમાં તબીબી સેવાઓ, દૂધ વગેરેની સેવાઓ, નાગરિક સુવિધા સેવાઓ વગેરે માટે લોકો-નાગરિકોના કોલ્સ મળતા રહે છે. અત્યાર સુધીમાં સ્ટેટ હેલ્પલાઇનને ૩રપ૬ અને જિલ્લા હેલ્પલાઇનને ૧૪,૪૧૭ કોલ્સ મળ્યા છે અને તે અંગે સંબંધિત વિભાગોએ કાળજી પણ લીધી છે. ૧૭ હજાર જેટલી સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી રાજ્યના ૮ લાખ અંત્યોદય અને પ૮ લાખ PHH કાર્ડધારકો મળી ૬૬ લાખ પરિવારોને એપ્રિલ માસનું અનાજ વિતરણ વિનામૂલ્યે થઇ રહ્યું છે તેની વિગતો પણ આપી હતી.
 
તેમણે જણાવ્યું કે તા. ૧ એપ્રિલથી આ અનાજ વિતરણ શરૂ થયું ત્યારથી શુક્રવાર તા. ૩ એપ્રિલે બપોરે બે વાગ્યા સુધીમાં કુલ મળીને ૩૧  લાખ જેટલા કાર્ડધારકોએ લાભ મેળવ્યો છે અને તા. ૩ એપ્રિલ રાત સુધીમાં આ આંકડો ૪૦ લાખ થવાની શકયતા છે. રાજ્યમાં આ અનાજ વિતરણનો લાભ સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને લાભાર્થીઓ સરળતાએ મેળવી રહ્યા છે તે માટે સૌનો આભાર વ્યકત કર્યો હતો. 
 
તેમણે એમ પણ કહ્યું કે, આવા ૬૬ લાખ લાભાર્થી પરિવારોમાંથી જો કોઇ પરિવાર અનાજ મેળવવાથી બાકી રહી જશે તો અનાજ વિતરણની આ પ્રક્રિયા વધુ એક-બે દિવસ લંબાવીને પણ તમામ ૬૬ લાખ કાર્ડધારકોને અનાજ પહોચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.  રાજ્ય સરકારનો અન્ન નાગરિક પુરવઠા વિભાગ આ અનાજનું વિતરણ સુચારૂ ઢબે અને કોઇ પણ દુવિધાની સ્થિતી વિના પાર પાડશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યકત કર્યો હતો.