ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (15:03 IST)

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસે રખડતા પશુઓની ટકોર કરતાં જ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઢોર વિભાગે કાર્યવાહી શરૂ કરી

'મને સલાહ અપાઈ કે શહેરમાં રખડતા શ્વાનનો ત્રાસ હોવાથી ચાલવા નીકળવું નહીઃ ચીફ જસ્ટીસ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની ટકોર બાદ હાઈકોર્ટ પરિસરની આસપાસ અને એસજી હાઈવે પર રખડતાં પશુઓને પકડવા કોર્પોરેશનનો CNCD વિભાગ કામે લાગ્યો છે. ગઈ કાલે જ ચીફ જસ્ટિસે પ્રવેશ ગેટ બહાર 10-12 જેટલા રખડતાં ઢોરે રસ્તો બ્લોક કરી નાખ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેને લઈ AMC  હાઈકોર્ટ પરિસરની આસપાસ રખડતા પશુઓને પકડવા માટે કામે લાગ્યું છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં ચાર રસ્તા રખડતા પશુ અને ટ્રાફિક એ સમસ્યા મામલે કોર્ટના આદેશના પાલન ન થવાની અરજી સંદર્ભે સુનાવણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યા સામે નારાજગી દર્શાવી હતી. જેને લઈને આજે કોર્પોરેશન દ્વારા ઢોર ને પકડવાની ગાડી સહિત વિભાગના કર્મચારીઓ હાઈકોર્ટ પરિસરની બહાર પશુઓ પકડવાની કામગીરીમાં લાગ્યા છે.
 
ચીફ જસ્ટિસે રખડતા શ્વાનના ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો
સુનાવણીમાં રાજ્ય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી કે રખડતાં ઢોરના ત્રાસને ડામવા માટે અમદાવાદમાં ઘણા વિસ્તારો 'નો કેટલ ઝોન' જાહેર કરવામાં આવ્યા છે. એના જવાબમાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જ્યારે તેઓ કોર્ટમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે 10-12 પશુ રસ્તો બ્લોક કરી ઊભાં હતાં,પોલીસકર્મીઓએ સીટી મારી તેમ છતાં એ હટ્યાં ન હતાં, સાથે સાથે ચીફ જસ્ટિસે રખડતા શ્વાનના ત્રાસનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે રખડતા શ્વાનના ત્રાસને લઈને રસ્તા પર ચાલવા નીકળવું જોઈએ નહીં એવી મને સલાહ અપાઈ છે. શ્વાનથી તકલીફ નથી, પણ કોઈની મજા કોઈની સજા ના બનવી જોઈએ એવી ટકોર કરી હતી.
 
19 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે
આ મામલે કોર્ટે સ્થાનિક પ્રશ્નો મુદ્દે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીઝ ઓથોરિટીને ફરિયાદ નિવારણ માટેની જવાબદારી સોંપવામાં પણ કહ્યું. નાગરિકો માટે ટોલ ફ્રી નંબર અને ઇ-પોર્ટલ શરૂ કરવા, જ્યાં નાગરિકો પોતાની સમસ્યા ફોટા સહિત મોકલી શકે એ માટેના નિર્દેશ આપ્યા છે. આ બાબતોનું લીગલ સર્વિસીઝ ઓથોરિટી મોનિટરિંગ કરશે અને તે અંગેનો અહેવાલ હાઇકોર્ટને સોંપશે. આ મામલે 19 જાન્યુઆરીએ વધુ સુનાવણી હાથ ધરાશે.