શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 સપ્ટેમ્બર 2019 (12:06 IST)

રાજકોટમાં ટીકટોક વીડિયો બનાવવા માટે પોતાની જીપને આગ ચાંપી દીધી, 2ની ધરપકડ

રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર સોમવારે બપોરે ફાયરબ્રિગેડ સ્ટેશન સામે જ એક વ્યક્તિએ ટિકટોક વીડિયો બનાવવા માટે પોતાની કારને આગ ચાંપી દીધી હોવાના મેસેજ સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, તે યુવક દીવાસળી વડે કાર સળગાવે છે અને ફિલ્મી સ્ટાઇલમાં ત્યાંથી ચાલ્યો જાય છે. હાલ આ સમગ્ર મામલે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. રાજકોટ એસપી એચ.એલ.રાઠોડે જીપ સળગાવવા મામલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે સમગ્ર મામલે બે આરોપી ઇન્દ્રજીત સિંહ અને નિમિષ ગોહેલની ધરપકડ કરવામાં આવી છે. જીપ સ્ટાર્ટ ન થતા ઇન્દ્રજીતસિંહે કોઠારીયા રોડ પર પોતાની જીપ સળગાવી હતી . જેથી ડોમેસ્ટિક પબ્લિક એક્ટ અને કલમ 285 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જ્યારે સમગ્ર ઘટનાનો વીડિયો નિમિષ ગોહેલે બનાવ્યો હતો. જેથી તેની પણ ધરપકડ કરવામાં આવી છે.  જીપને સળગાવવાની ઘટનાથી લોકોમાં નાસભાગ મચી ગઇ હતી, જીપની પેટ્રોલ ટેન્ક ફાટે તો મોટી દુર્ઘટના થવાની ભીતિ પણ સર્જાઇ હતી. સદનસીબે સામે જ ફાયર સ્ટેશન હોવાથી ઝડપથી જીપની આગને કાબૂમાં લેવામાં આવી હતી. સ્થળ પર હાજર કેટલાક લોકોએ મોબાઇલમાં શૂટિંગ ઉતારી તેને વાઇરલ કરતા દેકારો મચી ગયો હતો. કોઠારિયા રોડ ફાયર સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, ફાયર સ્ટેશનની સામે જ જીપ સળગાવતા ફાયર ફાઇટર મોકલી પાણી મારો ચાલુ કરવામાં આવ્યો હતો તે સાથે જ ઇન્દ્રજીતસિંહ દોડી આવ્યો હતો અને તેણે પાણીમારો બંધ કરવાનું કહી જીપ સળગી જવાદો તેમ કહ્યું હતું.