સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 ડિસેમ્બર 2021 (13:43 IST)

ગુજરાતના ધારાસભ્ય પીએમ મોદીના કહ્યામાં નથી રહ્યાં, પૂર્વ મંત્રી સૌરભ પટેલની હાજરીમાં નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટ, હજારોની સંખ્યામાં ભીડ ઉમટી

ઓમિક્રોનની દહેશનત વચ્ચે ગુજરાત સહિત રાજ્યોમાં કોરોનાના કેસમાં ફરી એક વખત ઉછાળો આવ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે, ત્યારે ભાજપના જ નેતા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા છે. શનિવારે બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાત સરકારના ભૂતપૂર્વ ઉર્જા મંત્રી અને બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા.

બોટાદની સરકારી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં શનિવારની રાત્રે ધારાસભ્ય પ્રેરિત નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના બોલર મુનાફ પટેલ અને બોટાદ મત વિસ્તારના ધારાસભ્ય સૌરભ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં કોરોનાને ખુલ્લુ આમંત્રણ અપાતુ હોય તેમ ચિક્કાર ભીડ ઉમટી હતી.રાજ્યમાં એક બાજુ એમિક્રોન વેરિઅન્ટ અને કોરોનાના વધતા જતા કેસોએ આરોગ્ય વિભાગની ઉંઘ ઉડાડી દીધી છે. જ્યારે બીજી બાજુ ભાજપ સરકારના જ જવાબદાર નેતાઓ ભીડ એકઠી કરીને કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડાવી રહ્યાં છે. 25મી ડિસેમ્બરે રાત્રે યોજાયેલી આ ટૂર્નામેન્ટમાં હજારોની ભીડ ઉમટી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નામે મીંડુ જોવા મળ્યું હતું. આ ભીડનો વીડિયો પણ ખુદ સૌરભ પટેલે જ વાયરલ કર્યો હતો.કોરોના બાદ ઓમિક્રોનના વધતા સંક્રમણ વચ્ચે સૌરભ પટેલનો વીડિયો સરકાર સામે પડકાર રૂપ બન્યો છે. સૌરભ પટેલની હાજરીમાં હજારોની સંખ્યામાં લોકોએ ઉમટી પડીને નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરીને ઓમિક્રોનને નિમંત્રણ આપ્યું હોવાનું સ્પષ્ટ છે.બે દિવસ પહેલાં વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજ્યોને કારોનાના વધતા કેસ સામે સાવધાની રાખવા માટે સૂચન કર્યુ હતું. પીએમ મોદીએ એક વખત ફરી દેશવાસીઓને કોરોના મહામારીથી બચવા માટેના તમામ ઉપાયોનું પાલન કરવાની પણ અપીલ કરી હતી. તેમ છતાં ભાજપના નેતા સુધરવાનું નામ નથી લેતા. એક તરફ વડાપ્રધાન મોદી કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે સૂચના આપે છે અને બીજી તરફ ભાજપના જ નોતાઓ ગાઇડલાઇનના ધજાગરા ઉડાડે છે. આ જોતાં સ્પષ્ટ ચિત્ર જોવા મળે છે કે સરકારના નિયમો માત્ર સામાન્ય પ્રજા માટે જ છે, ભાજપના નેતાઓ માટે નથી.