Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (14:35 IST)
અધિકારીની ચિમકી બાદ વડોદરામાં ખેડૂતોએ ગુલાબના ફૂલો ફેંકીને વિરોધ કર્યો
વડોદરાના ખંડેરાવ માર્કેટમાં ગુલાબના ફૂલો વેચવા માટે આવતા ખેડૂતો પર કોર્પોરેશને લાદેલા પ્રતિબંધના વિરોધમાં આજે સવારે ખેડૂતોએ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર ફૂલો ફેંકી દઇ વિરોધ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોએ હજારો કિલો ફેંકી દીધેલા ગુલાબના ફૂલોથી સમગ્ર વિસ્તારમાં ગુલાબની સુંગધની મહેંકી ઉઠ્યા હતા. પરંતુ ખેડૂતોના દિલને ઠેસ પહોંચી હતી. 2014ની લોકસભાની ચૂંટણી જીત્યા બાદ વડોદરામાં મોદી પર જે સ્થળે જનતાએ પુષ્પવર્ષા કરી હતી તે સ્થળે જ આજે ખેડૂતોએ કોર્પોરેશનની વિરોધમાં ફૂલ વર્ષા કરી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી પસાર થતી નર્મદા નદીના કિનારે આવેલા 20થી 25 જેટલા ગામના ખેડૂતો ગુલાબની ખેતી કરે છે. કરજણ તાલુકાના નર્મદા નદીના કિનારે આવેલા 25 જેટલા ગામોની જમીનનું વાતાવરણ ગુલાબની ખેતી માટે સાનુકૂળ હોવાથી મોટા પ્રમાણમાં ગુલાબની ખેતી થાય છે. આ ગામડાઓના ખેડૂતો ગુલાબની ખેતી ઉપર જ નભે છે. ગુલાબની ખેતી કરતા ખેડૂતો રોજ આખી રાત ગુલાબ તોડે છે. અને વહેલી સવારે વડોદરા ખંડેરાવ માર્કેટમાં ગુલાબ લાવીને છૂટક તેમજ નાના-મોટા વેપારીઓને જથ્થાબંધ ભાવે વેચીને ચાલ્યા જતા હોય છે. રોજ સવારે 2 કલાક માટે જ ખંડેરાવ માર્કેટમાં ગુલાબ વેચવા માટે આવતા ખેડૂતો રોજના 500 કિલો જેટલા ગુલાબ વેચતા હોય છે. ગુલાબ વેચવા માટે આવતા ખેડૂત સંજય માછી અને કમલેશ પટેલે જણાવ્યું હતું કે, વડોદરા મહાનગર સેવાસદનના અધિકારી મંગળવારે સવારે માર્કેટમાં આવ્યા હતા. અને ખેડૂતોને જણાવ્યું હતું કે, ખંડેરાવ માર્કેટમાં ગુલાબના ફૂલો વેચવા માટે બેસવું નહીં. જો તમે ગુલાબ વેચવા માટે ખંડેરાવ માર્કેટમાં આવશો તો તમારા ગુલાબ રોડ પર ફેંકી દઇશું. તેવી ચિમકી આપી હતી.