મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 8 ફેબ્રુઆરી 2018 (15:43 IST)

કેળાંના ઉત્પાદનમાં ભારતનું સમગ્ર વિશ્વમાં મોખરાનું સ્થાન, ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે

ગુજરાતની કૃષિ વિશે ચર્ચા વખતે અહીંના બાગાયતી પાકોની ચર્ચા ભાગ્યે જ થાય છે પરંતુ ગુજરાત ૪૨ લાખ ટન કેળાના ઉત્પાદન સાથે સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે છે. ગુજરાતમાં ઉત્પાદિત થતા કેળા દેશભરના જાણીતા રીટેઈલ ચેઈન સ્ટોર્સમાં પહોંચે છે ઉપરાંત કેળાનું ઉત્પાદન કરતા દેશના વિવિધ જિલ્લાઓમાં ભરૃચ જિલ્લો મોખરે છે. કેળાના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.

મહત્વની વાત એ છે કે કેળના ઉત્પાદન અને નિકાસમાં ભારત વિશ્વમાં પહેલા ક્રમાંકે છે. વિશ્વના કેળાના કુલ ઉત્પાદનનો ૨૪ ટકા હિસ્સો ભારત પાસે છે. કેળાના ઉત્પાદનમાં ગુજરાત તમામ રાજ્યોથી આગળ છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ગુજરાતમાં ૬૪,૬૯૦ હેક્ટરમાં ૪૧,૮૫,૫૨૦ ટન કેળાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ભરુચ, વડોદરા, નર્મદા, આણંદ અને સુરત કેળાના ઉત્પાદનમાં મોખરે છે. આ સિવાય ગુજરાતના દરેક જિલ્લામાં કેળાનું સારું એવું ઉત્પાદન થાય છે. ભારતના તમામ જિલ્લાઓમાં ભરુચ કેળાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમાંકે છે. ઉત્તર ભારતમાં આવેલા વોલમાર્ટ સ્ટોર્સમાં કેળા પૂરું પાડવાનું કામ રાજકોટની એક ફ્રૂટ સપ્લાય કંપની કરે છે. આવી જ રીતે દેશના જાણીતા રીટેઈલ ચેઈન સ્ટોર્સમાં કેળાનો પુરવઠો ગુજરાતમાંથી પૂરો પાડવામાં આવે છે. ઉત્પાદન વધારવા હાલ ગુજરાતના ખેડૂતો વિવિધ પ્રકારના હાયબ્રિડ કેળાનું ઉત્પાદન વધારી રહ્યા છે. ગુજરાતની બજારોમાં જે કેળા સૌથી વધુ જોવા મળે છે તેને ડ્વાર્ફ કેવેન્ડીશ જાતના કેળા કહેવામાં આવે છે. આ કેળા કદમાં લાંબા હોય છે.

આ કેળાથી નાના કદના કેળાને રોબસ્ટા તરીકે ઓળખવામાં આવે છે. રસ્થલી, પુવન અને નેન્ડ્રન જાતિના કેળા પણ અહીં ઉગાડવામાં આવે છે. જો કે આ સિવાય કેળાની દેશી જાત પણ ઘણી અહીં પ્રખ્યાત છે. ગીર-સોમનાથના વેરાવળ અને ચોરવાડમાં ઉગતા એલચી કેળા સ્વાસ્થ્યસેવી લોકોમાં ઘણાં પ્રખ્યાત છે. આ કેળામાં અન્ય કેળાની સરખામણીએ ખૂબ ઓછી કેલરી હોય છે. ઉપરાંત તેમાં વિટામીન સી અને પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉત્પાદનમાં ભારત બાદ ચીન, ફિલિપાઇન્સ અને બ્રાઝિલ જેવા દેશોનો ક્રમ આવે છે. સમગ્ર ભારતમાં ઉગતા ફળો પૈકી સૌથી વધુ ઉત્પાદન કેળાનું થાય છે. વર્ષ ૨૦૧૬-૧૭માં ભારતમાં ૮,૫૮,૦૦૦ હેક્ટરમાં ૨,૯૧,૬૩,૦૦૦ ટન કેળાનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે એવી માન્યતા પ્રવર્તે છે કે કેળાનું સૌથી વધુ ઉત્પાદન કેરળમાં થતુ હશે પરંતુ આ માન્યતા ખોટી છે. કેળાનું ઉત્પાદન કરતા મુખ્ય પાંચ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઉત્તરપ્રદેશ છે. છેલ્લાં પાંચ વર્ષથી આ રાજ્યો કેળાના સૌથી વધુ ઉત્પાદક રાજ્યોમાં સમાવિષ્ટ થતા આવ્યા છે.