મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2019 (12:32 IST)

દેશમાં ગુજરાતમાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર તો રાજ્યમાં પોલીસ વિભાગ સૌથી વધુ ભ્રષ્ટ

ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયાએ દેશભરનાં 20 રાજ્યમાં 2 લાખ લોકોનાં મત મેળવીને ઇન્ડિયા કરપ્શન સર્વે 2019નો  રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ગુજરાત દેશભરમાં સૌથી ઓછો કરપ્શન રેટ છે. સર્વે મુજબ ગુજરાત ઉપરાંત ગોવા, ઓડિશા, કેરળ અને હરિયાણાનો ઓછા કરપ્શનવાળા રાજ્યોની યાદીમાં સમાવેશ થાય છે. જ્યારે સૌથી વધુ રાજસ્થાનમાં 78 ટકા ભ્રષ્ટાચાર છે. રાજ્યનાં ઉર્જામંત્રી સૌરભ પટેલે આ અહેવાલ અંગે જાણકારી આપી હતી. ઊર્જામંત્રી સૌરભ પટેલે આ સર્વેની વધુ માહિતી આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યનાં બહુધા વિભાગોમાં હવે લેસ હ્યુમન ઇન્ટરફેસ થાય તેવા હેતુથી ઓનલાઇન પદ્ધતિ વિકસાવવાને પરિણામે કરપ્શનની માત્રામાં ગુજરાત દેશમાં અત્યંત ઓછા કરપ્શન વાળા રાજ્ય તરીકે ઊભરી આવ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, રાજ્યમાં મહેસૂલ વિભાગમાં ઓનલાઇન NA, NOC, રાજ્યમાં ગમે તે સ્થળે 7-12, 8-અ ઉતારા ઓનલાઇન મેળવવાની સુવિધા, આઇ ઓરા જેવા પારદર્શી પ્રોગ્રામથી જોડ્યુ, બિનખેતી, વારસાઇ જેવા દાખલા ત્વરાએ મળી જવા જેવી વ્યવસ્થા વિકસાવી છે. બિલ્ડીંગ પરમીશન ઓનલાઇન આપવા સહિતની પધ્ધતિ વિકસાવી છે. જેના કારણે આ રેટ ઓછો આવ્યો છે. ઊર્જામંત્રીએ વધુમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારે તમામ સ્તરેથી ભ્રષ્ટાચાર-કરપ્શન નાથવા ACBને વિશાળ સત્તાઓ આપી છે. આ ઉપરાંત, બટન-પેન કેમેરા, વોઇસ રેકોર્ડર, સ્પેક્ટ્રોગ્રાફી જેવા અદ્યતન ઉપકરણોથી સજ્જ પણ કરી છે. આ સર્વેમાં દેશના 64 ટકા પુરૂષો અને 36 ટકા મહિલાનો મત લેવામાં આવ્યો હતો. આ સર્વેમાં એક ચોંકાવનારી માહિતી પણ બહાર આવી છે. રાજ્યમાં પોલીસ સૌથી વધુ ભ્રષ્ટ છે. પોલીસ સાથે પ્રોપર્ટી, જમીન સંપાદનને લગતા વિભાગો સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન, ટેક્સ વિભાગમાં પણ ભ્રષ્ટાચાર વધ્યો છે. આ વિભાગોમાં લોકોએ લાંચ આપીને પોતાનાં કામ કરાવવા પડે છે. ગુજરાતમાં 41 ટકા લોકો કહે છે કે, તેમણે પોલીસને લાંચ આપી છે. જ્યારે 29 ટકા લોકો કહે છે કે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાંચ આપી છે. 18 ટકા લોકોનું કહેવું છે કે, તેમણે પોપર્ટી, જમીન સંપાદનને લગતા વિભાગોને લાંચ આપી છે. 12 ટકા લોકો કહે છે કે, અન્ય વિભાગને લાંચ આપી છે.