શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 25 સપ્ટેમ્બર 2018 (12:18 IST)

ગુજરાતમાં 26% ઓછો વરસાદ, અત્યારથી વાગી રહ્યા છે દુકાળના ડાકલા

રવિવાર અને સોમવારે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદથી જનસામાન્યમાં રાહતની લાગણી ફેલાઈ હતી. જોકે સરકાર અત્યારથી જ દુકાળને લઈને ચિંતાતુર બની ગઈ છે. કેમ કે આ વર્ષ ચોમાસામાં માત્ર 484mm વરસાદ પડ્યો છે. જે પાછલા ઘણા વર્ષોની એવરેજ 658mm વરસાદ કરતા ઘણો ઓછો છે. હવામાન વિભાગ મુજબ 2012 પછી પહેલીવાર આટલો ઓછો વરસાદ પડ્યો છે. આંકડાની દ્રષ્ટીએ રાજ્યમાં એકંદરે 26% ઓછો વરસાદ પડ્યો છે.હવામાન ખાતાના અધિકારીના જણાવ્યા મુજબ સમગ્ર ભારતમાં આ વર્ષે ચોમાસુ ધાર્યા કરતા ઘણું નબળું રહ્યું છે. તેની સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં વરસાદ તેની એવરેજ કરતા પણ ઓછો પડ્યો છે. 

જ્યારે દેશના મોટાભાગના વિસ્તારોમાં રવિવારથી ડે ચક્રવાતની અસરથી વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાત માટે આ સીસ્ટમ પણ કોઈ ખાસ વધુ વરસાદ ખેંચી લાવી શકે તેવી કોઈ શક્યતા હવામાન વિભાગના અધિકારીઓને નથી લાગી રહી.સોમવારે રાજ્યના એક માત્ર મહેસાણા જિલ્લના બેચરાજી ખાતે કહી શકાય તેવો સારો વરસાદ પડ્યો હતો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આંકડા મુજબ સોમવારે બેચરાજીમાં 54mm વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના અધિકારીઓએ કહ્યું કે, ‘રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેવાની શરુ કરી દીધી છે ત્યારે હવે વધુ વરસાદ પડશે તેવી આશા રાખવી નકામી છે. 
આ સાથે જ આ વર્ષે વરસાદની પેટર્ન પણ બદલાઈ છે. દ. ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદ તેની એવરેજ કરતા વધુ પડ્યો છે જ્યારે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારો બિલકુલ તરસ્યા રહ્યા છે.’વરસાદના આ અનિયમિત ડિસ્ટ્રિબ્યુશનથી ખેડૂત અને ખેતી પર વધુ અસર દેખાશે. તેમજ આગામી સમયમાં પાણીના વિતરણને લઈને પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જોકે આ બધામાં સારા સમાચાર એક જ છે કે મધ્ય ભારતમાં પડેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીનું લેવલ તેના ટોપ પર છે. જેના કારણે સરકાર દુકાળ સામે ભાથ ભીડવાની આશા સેવી રહી છે.