ગુજરાતમાં વરસાદનો નવો રાઉંડ, આજે આ વિસ્તારોમાં વરસાદની આગાહી  
                                       
                  
				  				  
				   
                  				  ગુજરાતમાં ફરીથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં આગામી 24 કલાક દરમ્યાન હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે. રાજ્યના ઉત્તરથી લઈ દક્ષિણ તથા કચ્છથી સૌરાષ્ટ્ર સુધીના અનેક જિલ્લામાં માવઠાની સંભાવના દર્શાવવામાં આવી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદ બાદ તારાજી સર્જાઈ હતી. ત્યાર બાદ મોટા ભાગના જિલ્લામાં વરસાદ રોકાઈ ગયો છે.
				  										
							
																							
									  
	 
	જોકે હવે બંગાળની ખાડીમાં હાલ નવી સિસ્ટમ બની છે. આ પહેલાં સાઉથ વેસ્ટ પાકિસ્તાન અને તેને અડીને આવેલા કચ્છ તથા રાજસ્થાન પર એક ડીપ ડિપ્રેશન રચાયું હતું. કચ્છ અને રાજસ્થાનથી લઈને દક્ષિણ પંજાબ સુધી પાકિસ્તાનની સરહદે એક ચોમાસાના ટ્રફની રચના થઈ હતી.
				  
	 
	આમ આ સિસ્ટમ ગુજરાતથી આગળ વધીને પાકિસ્તાન તરફ ગઈ હતી ત્યારે ત્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. નવી બનેલી સિસ્ટમથી મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પુષ્કળ વરસાદની શક્યતા છે ત્યારે આ નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં ક્યારે, કેટલો વરસાદ પડશે આવો જાણીએ ?
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જેવા ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. એટલું જ નહીં, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ અને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છ પણ વરસાદની આગાહી કરી છે. સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.  પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુરમાં વરસાદની સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદનો વરતારો જોવા મળી શકે છે