શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 માર્ચ 2017 (15:38 IST)

દૂધમાં ભેળસેળ કરતી 76 મંડળીઓ સસ્પેન્ડ કરાતાં ખળભળાટ મચી ગયો

આરોગ્ય સાથે ચેડા કરતી 76 જેટલી દૂધની મંડળીઓને રાજકોટ ડેરી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવતા ખળભળાટ મચ્યો છે. રૂપિયા કમાવી લેવાની લાલચમાં આ ડેરીઓ દ્વારા ફેટ વધારવા માટે દુધમાં ભેલસેળ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. છેલ્લા એક વર્ષમાં રાજકોટ ડેરી દ્વારા 1 કરોડ રૂપિયાના ભેળસેળવાળા દુધનો નાશ પણ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ અમૂલ કંપનીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે.

લોકોની જીવનજરૂરિયાતની વસ્તુ ગણાતા દૂધનો ભાવ છાશવારે વધતો હોય છે. વારંવાર ભાવ વધારો થતો હોવા છતાં પણ દૂધની મંડળીઓ લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરીને દૂધમાં ભેળસેળ કરે છે. રાજકોટ જિલ્લા સહકારી દૂધ મંડળીની 8૦૦ થી વધુ મંડળી દ્વારા રાજકોટ ડેરીમાં દૂધ પહોંચાડવામાં આવે છે. રોજ ૪ લાખ લીટરથી વધુ દૂધ આ ડેરીમાં આવે છ. જોકે મંડળીમાંથી આવતા દૂધનું પહેલા લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવે છે અને બાદમાં દૂધને ડેરીની અંદર મોકલવામાં આવે છે. ત્યારે રાજકોટની આ ડેરીમાં દૂધ મોકલતી ૭૬ મંડળીઓ દ્વારા દુધમાં ભેળસેળ કરતી હોવાનું બહાર આવ્યું છે. ડેરી દ્વારા મંડળીઓને ફેટ પ્રમાણે રૂપિયા ચૂકવવામાં આવતા હોય છે. તેથી વધુ રૂપિયા કમાવવાની લાલચમાં મંડળી દ્વારા ફેટ વધે તેવી વસ્તુઓ દૂધમાં મિક્સ કરવામાં આવે છે. જેમાં યુરીયા ખાતર, ખાંડ જેવી વસ્તુઓ દુધમાં મિક્સ કરતા હોય છે, જેથી તેમાં ફેટ વધુ લાગે. જોકે રાજકોટ ડેરીમાં આવેલ આધુનિક લેબમાં ભેળસેળ કરનારા પકડાઈ ગયા હતા. ભેળસેળને કારણે રાજકોટ ડેરી દ્વારા 76 દૂધ મંડળીને 21 દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. 21 દિવસ બાદ પણ 2૦ રૂપિયાના સ્ટેમ્પ પર તેમની પાસેથી લખાવવામાં આવશે કે તેઓ ભેળસેળ નહિ કરે. આ પ્રકારનું લખાણ લીધા બાદ જ મંડળીનું દૂધ ફરીથી લેવાનું શરૂ કરવામાં આવશે.