રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 27 માર્ચ 2018 (12:37 IST)

ગુજરાત રાજ્યની 6921 શાળાઓમાં બાળકોને રમવા માટે મેદાન જ નથી

રાજ્ય સરકાર દ્વારા બાળકો નાનપણથી જ રમતગમતના ક્ષેત્રમાં રસ કેળવે તે હેતુથી ખેલ મહાકુંભ, શાળા પ્રવેશોત્વસ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમો કરોડોના ખર્ચે કરે છે. પરંતુ ખાટલે મોટી ખોડ એ છે કે બાળકોને સ્કૂલમાં રમવા માટે મેદાન જ નથી મળતા. રાજ્યની 7 હજાર જેટલી શાળાઓ રમતગમતના મેદાન વગર જ ચાલી રહી છે. રમશે ગુજરાત, જીતશે ગુજરાત. રમતગમતને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર આવા અનેક સુત્રો આપે છે અને રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને રમતગમતના સાધનો આપવા સરકાર કરોડો રૂપિયાનો ખર્ચ પણ કરી રહી છે. પરંતુ રમતગમત વિભાગમાં પ્રાથમિક શાળાઓના જે આંકડાઓ સામે આવ્યા છે તે જોતા સરકારના આ કાર્યક્રમો સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. રાજ્યના 31 જિલ્લાઓમાં 6921 શાળાઓ એવી છે, જેમાં બાળકોને રમવા માટેના મેદાન જ નથી. બીજી તરફ 14 જેટલી પ્રાથમિક શાળાઓ એવી છે જે વીજળી વગર જ ચાલી રહી છે. જો વીજળી જ ન હોય તો પછી ત્યાં કમ્પ્યુટર કેવી રીતે ચાલતા હશે અને વીજળી વગર ઉનાળાની આકરી ગરમીમાં માસૂમ ભૂલકાઓ કેવી રીતે અભ્યાસ કરતા હશે. આવા અનેક સવાલો ઉઠ્યા છે. તો રાજ્યમાં 6311 શાળાઓ એવી છે કે જ્યાં બે કે ત્રણ ઓરડા બનાવવામાં આવ્યા છે. પરંતુ ત્યાં કમ્પાઉન્ડ વોલ જ નથી. આથી આવી શાળાઓમાં કોઇ પણ વ્યક્તિ કે પશુઓ આસાનીથી ઘુસી શકે છે. વિપક્ષ કોંગ્રેસે આ તમામ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. સરકાર બાળકોના નામે કે બાળકો માટે કાર્યક્રમ કરી કરોડોના તાયફાઓ તો કરે છે પરંતુ હકીકત કાંઈક જુદી જ છે. આથી સરકારે પહેલા આવી સરકારી શાળાઓમાં યોગ્ય સુવિધાઓ પુરી પાડવી જોઇએ અને બાદમાં કાર્યક્રમ કરવા જોઇએ. જો રમત માટે મેદાન જ નહીં હોય તો કેવી રીતે રમશે ગુજરાત. કેવી રીતે જીતશે ગુજરાત.