સરકારી કોલેજોમાં પ્રોફેસરો અને પ્રિન્સિપાલની મોટાભાગની જગ્યાઓ ખાલી!

Last Modified મંગળવાર, 27 માર્ચ 2018 (12:30 IST)
શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અગ્રેસર હોવાનો દાવો સરકાર અનેક વખત કરતી રહે છે. પરંતુ ખુદ સરકારે જ તેમના આ દાવાઓ પોકળ સાબિત થાય તેવા આંકડાઓ રજૂ કર્યા છે. રાજ્યભરની સરકારી કોલેજોમાં પ્રોફેસરો અને પ્રિન્સિપાલની અનેક જગ્યાઓ ખાલી છે. જેના કારણે કોલજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કેવી રીતે ઉચ્ચ શિક્ષણ મળતું હશે તે એક સવાલ છે. શિક્ષણ માટે અનેક અભિયાનો ચલાવતી રાજ્ય સરકાર વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી હોવાનું અનેક વખત ગાઇવગાડીને કહે છે. પરંતુ શિક્ષણમાં ખરેખર તો દિવા તળે અંધારા જેવી હાલત છે. રાજ્યમાં કોલેજના પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિશે કોંગ્રેસના ધારાસભ્યએ વિધાનસભામાં સવાલ પૂછતા સરકારે આંકડાઓ રજૂ કર્યા હતા. સરકારે જાહેર કરેલા આંકડા મુજબ રાજ્યભરની વિવિધ કોલેજોમાં પ્રોફેસરની કુલ 1519 જગ્યાઓ મંજૂર કરેલી છે. જેની સામે ફક્ત 616 જગ્યાઓ પર જ ભરતી કરાઇ છે. જ્યારે કે 903 જેટલી જગ્યાઓ ખાલી છે. કંઇક આવી જ હાલત કોલેજના પ્રિન્સિપાલની જગ્યાઓની છે. સરકારી કોલેજોમાં પ્રિન્સિપાલની કુલ 107 જગ્યાઓ મંજૂર થયેલી છે. જે પૈકી માત્ર 16 જગ્યાઓ જ ભરાયેલી છે. પ્રિન્સિપાલની 91 જગ્યાઓ હજુ પણ ખાલી છે. મતલબ કે રાજ્યની અનેક એવી કોલેજો છે જે નધણિયાત છે અને તેમા ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ફરજ બજાવી રહ્યા છે. પ્રિન્સિપાલનો ચાર્જ પ્રોફેસરો સંભાળતા હોવાથી પ્રોફેસરો પણ વિદ્યાર્થીઓને ભણાવવામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી. આથી સરકાર ફક્ત વાતો કરવાને બદલે તાત્કાલિક પ્રોફેસરો અને પ્રિન્સિપાલની ભરતી કરે તે જરૂરી છે.


આ પણ વાંચો :