મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 જૂન 2018 (12:39 IST)

કોંગ્રેસ ચૂંટણીનું દેવું ઉતારવા હવે ઉઘરાણુ કરશે, પ્રદેશ પ્રમુખે અંગત લોકોને જવાબદારી સોંપી?

ગુજરાત કોંગ્રેસમાં ચૂંટણીમાં થયેલા દેવાની રકમ ચૂકવવા માટે ઉઘરાણું કરવા માટે પોતાના વિશ્વાસુ ગણાતા લોકોને જવાબદારી સોંપવામાં આવી છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ ઉપર રૂ.7 કરોડનું દેવું થયું હતું. જેની ભરપાઈ માટે પ્રદેશ પ્રમુખ ચાવડાએ ઉઘરણાનો કાર્યક્રમ ઘડ્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકસભાની ચૂંટણી માથે આવીને ઉભી છે ત્યારે કોંગ્રેસ હજુ વિધાનસભાની ચૂંટણીમાં થયેલા ખર્ચનું કરજ પણ ઉતારી ચુકી નથી. રૂ. 7 કરોડનું દેવું ઉતારવા પ્રદેશ પ્રમુખ ચાવડાએ કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો પાસે રૂપિયા 1-1 લાખની મદદ માગી હતી.તમામ ધારાસભ્યોએ આ મદદ કરી નથી. પરિણામે ચાવડાએ ઉઘરાણું કરવાનો કાર્યક્રમ ઘડ્યો હોવાનું કોંગ્રેસના સૂત્રો જણાવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ ચાવડાના અંગત માણસોના જણાવ્યા પ્રમાણે વિસ્તાર અને જ્ઞાતિ પ્રમાણે અલગ અલગ વ્યક્તિને દાન ઉઘરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ઉપરાંત મોટી રકમનું દાન સ્વીકારવા પ્રમુખ ચાવડા જાતે જેતે વ્યક્તિ સમક્ષ રૂબરૂ જશે. છેલ્લા એક અઠવાડિયાથી ચાવડા દ્વારા વિવિધ સમાજ અને વિસ્તારના પોતાના વિશ્વાસુ વ્યક્તિને બોલાવીને વેપારીઓ અને ઉદ્યોગપતિઓનો સંપર્ક કરવા કહેવામાં આવી રહ્યું છે. ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીના પ્રવાસમાં તામજામ કરવામાં આવ્યો હતો તે પૈકીની કેટલીય સભાઓના બીલ ચુકવણી કરવાના હજુ બાકી છે.ચૂંટણી પ્રચાર માટે લગાવાયેલા બેનર, પડદા, પોસ્ટર્સ અને હોડીંગ્સના પૈસા આપવાના પણ બાકી હોવાનું કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું. વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારના ચૂંટણીફંડમાં પણ કટકી કરવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. ચૂંટણીમાં થયેલું દેવું ચૂકવવા અમિત ચાવડા હાલ મથામણ કરી રહ્યાં છે. તો બીજી તરફ 300 દિવસ બાદ લોકસભાની ચૂંટણી યોજશે તેના માટે પણ ચૂંટણીફંડની જરૂર તો પડશે જ. કોંગ્રેસના કેટલાક પૈસાદાર લોકો પ્રમુખથી નારાજ થઈ કોંગ્રેસથી દૂર થઈ રહ્યા છે. ત્યારે પ્રમુખ ચાવડા પોતાના દાનના ઉઘરાણાંના કાર્યક્રમમાં કેટલી રકમ એકઠી કરી શકે છે તે તો સમય જ બતાવશે