શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 જૂન 2018 (11:29 IST)

ટેક્સટાઈલ ઉદ્યોગની મંદીઃ ઘરગથ્થુ સિલાઇકામ કરતી મહિલાઓને ફટકો

સુરત શહેરનો ધમધમાટ હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગને આભારી છે અને આ બંને ઉદ્યોગમાં આવતી તેજી-મંદીની નાની-મોટી અસર શહેરીજનોની રોજગારી તથા અન્ય વેપાર-ઉદ્યોગ ઉપર અચૂક જ આવે છે. જીએસટીને કારણે જે અસર આવી છે, તેની હજુ સુધી કળ વળી નથી. નાના-નાના કારખાનેદારો કે સ્વરોજગારી મેળવનારાઓ ટકવા માટે હજુ ઝઝુમી રહ્યાં છે કારણ કે સિલાઇના ૨૦૦ જેટલા એકમો બંધ થઇ ગયા છે. ટેક્સટાઇલ ઉદ્યોગને વેલ્યુએડીશન દ્વારા ટકાવવાનું કામ કરતો એમ્બ્રોઇડરી ઉદ્યોગ અને સાડી-મટીરીયલ્સનું સિલાઇનું કામ કરતા નાના કારીગરો- ઉદ્યમીઓ માટે દિવસો હજુ કપરાં જ છે. વરાછા ઇશ્વરકૃપારોડ ઉપર સિલાઇનું એકમ ધરાવતા વિજય છોડવડીયાએ વાતચીતમાં જણાવ્યું કે, સાડીઓમાં લેસપટ્ટી- બોર્ડરના સિલાઇનું કામ ખૂબ જ ઘટી ગયું હોવાથી એકમો ટકાવી રાખવા એ એક મોટી સમસ્યા છે. સિલાઇનું કામ ખૂબ જ સરળ હોવાથી ધો. ૯-૧૦ ભણેલી છોકરીઓ સિલાઇના વર્ગોમાં જોડાઇને અઢી-ત્રણ મહિનામાં શીખી લે છે. સિલાઇ કામ શીખનારી યુવતીઓ સહેજેય દર મહિને રૃ. પંદર-સત્તર હજારની આવક રળી રહે છે પણ જ્યારથી ટેક્સટાઇલ ઉદ્યોગમાં મંદીના વાદળો છવાયા છે અને કામકાજો ઘટયાં છે, ત્યારથી સિલાઇ કામ કરનારી યુવતિઓ- મહિલાઓની આવક ૬૦ થી ૭૦ ટકા જેટલી ઘટી ગઇ છે, એમ તેઓ ઉમેરે છે. લંબે હનુમાન રોડના ડાહ્યાપાર્ક સ્થિત સિલાઇ એકમના ભાગીદાર અરવિંદ વાદોરીયાએ કહયું કે, જીએસટી પહેલા અમે મહિને સાડાત્રણથી ચાર લાખનું ટર્નઓવર કરી લેતા હતા. અત્યારે માત્ર ૧૦ ટકા જેટલું રહયું છે. આ વિસ્તારમાં ઘનશ્યામનગર અને ભગીરથનગરમાં ધમધમતા એકમો પૈકી હાલ માંડ ૨૦ ટકા એકમો રહયા છે. સાડીઓમાં વેલ્યુએડીશન માટે લેસપટ્ટી- બોર્ડરનું કામ વેપારીઓ તરફથી મળતું હોય છે પણ હાલમાં કામો એકદમ ઓછા છે. યુવતિઓ- મહિલાઓ રોજની જયાં ૭૦થી ૮૦ સાડીઓનું કામ કરતી હતી તે અત્યારે ૧૫-૨૦ સાડીઓનું કામ કરી રહી છે. કામ ઓછું થઇ ગયું હોવાથી વરાછાના વિસ્તારમાં ધમધમતાં ૩૦૦ થી ૩૫૦ જેટલા એકમોમાંથી ૨૦૦ જેટલા એકમો બંધ થઇ ગયા છે.