ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 3 જુલાઈ 2018 (17:03 IST)

ભાજપ ધટતી લોકપ્રિયતા ટકાવી રાખવા માટે કોંગ્રેસમાંથી લોકોને લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે - ગુજરાત કોંગ્રેસ

અમદાવાદ, આજરોજ ગુજરાત વિધાનસભા ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ અમીતભાઈ ચાવડા અને માનનીય વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ એક સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધી હતી.
પત્રકાર તથા મીડીયાના મિત્રોને સંબોધતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ૨૨ વર્ષના લાંબા શાસનમાં તમામ ક્ષેત્રે નિષ્ફળ ગયેલ ભાજપ સરકાર કોઈપણ રીતે પોતાની ધટતી લોકપિ્રયતા ટકાવી રાખવા માટે કોંગ્રેસમાંથી લોકોને લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. આજે કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં સામેલ થનાર કુંવરજીભાઈ બાવળીયાને કોંગ્રેસે ખૂબ આપ્યું છે. પાંચ-પાંચ વખત કોંગ્રેસના સિમ્બોલ પર ધારાસભ્ય બન્યા, સંસદસભ્ય બનાવ્યા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખની પણ જવાબદારી સોંપી અને જ્યારે-જ્યારે એમણે આગ્રહ કર્યો ત્યારે તેમના કુટુંબીજનોને કોંગ્રેસમાંથી ટીકીટ આપવામાં આવી અને જિલ્લા પંચાયતમાં વિવિધ હોદ્દાઓ પર નિમણુંક પણ કરવામાં આવી. કુંવરજીભાઈ વ્યક્તિગત રીતે કેટલા સક્ષમ હતા તે બીજી વાત છે પણ એક સમાજના આગેવાન અને પ્રતિનિધિ તરીકે હંમેશા વિધાનસભા, લોકસભા અને સંગઠનમાં એ બક્ષીપંચ સમાજના પ્રતિનિધિ છે તે રીતે કોંગ્રેસ પક્ષે ખૂબ મહત્ત્વ આપ્યું છે.
 અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ભાજપના ૨૨ વર્ષના શાસનમાં બક્ષીપંચ સમાજને ખૂબ મોટો અન્યાય થયો છે. શૈક્ષણિક, આરોગ્ય, નોકરીઓ, વિકાસ અને તમામ ક્ષેત્રે બક્ષીપંચ સમાજને ભાજપ સરકાર દ્વારા અન્યાય થતો હોવા છતાં પણ પોતાની સત્તાલાલસાને કારણે મંત્રીપદ મેળવવા આજે સમાજ અને પક્ષ સાથે દ્રોહ કરીને કુંવરજીભાઈ ભાજપમાં જોડાયા છે તે અત્યંત દુઃખદ બાબત છે. આવનારા સમયમાં બક્ષીપંચ સમાજ અને મતદારો તેનો હિસાબ માંગશે. સમાજ અને મતદારોએ જે કારણથી મત આપ્યા હતા, જે કારણથી નેતા ચૂંટયા હતા, જે વિશ્વાસ સાથે પક્ષ અને પ્રજાએ સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચાડયા હતા તે તમામનો વિશ્વાસધાત થયો છે, તેનો આવનાર સમયમાં કુંવરજીભાઈ અને ભાજપ પાસે હિસાબ માંગશે.
ચાવડાએ જણાવ્યું હતું કે, પક્ષ દ્વારા પાંચ-પાંચ વખત ધારાસભ્ય બનવા માટેની તક આપી છે. પક્ષે સંગઠન અને સંસદ બંને જગ્યાએ પણ તક આપી છે અને આજે પણ પક્ષ દ્વારા તેમનું તમામ રીતે માન-સન્માન જાળવવામાં આવતું હતું. છેલ્લા ધણાં સમયથી કુંવરજીભાઈએ મીડીયા સમક્ષ ક્યાંકને ક્યાંક નારાજગીની વાત કરી હતી. આદરણીય રાહુલજીએ પણ એમને રૂબરૂ મળીને કોઈપણ તકલીફ હોય તો તે બાબતે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. રાહુલજીએ એમને કહ્યું હતું કે ક્યાંય તકલીફ હોય તો તેનું નિરાકરણ કરશું અને આવનારા સમયમાં પક્ષમાં પણ કોઈ જવાબદારી સોંપવાની વાત હતી. ક્યાંક લાંબા સમયથી અંદરખાને ભાજપ સાથે કદાચ તેઓની સત્તાની સાંઠગાંઠ માટેની સોદાબાજી ચાલતી હશે, જેના કારણે તેમણે પ્રજા, પક્ષ અને સમાજનો વિચાર કર્યા વિના આ પગલું ભર્યું છે. તેમની વ્યક્તિગત મહત્ત્વકાંક્ષા અને સત્તા માટેની સોદાબાજીના કારણે આ પરિણામ આવ્યું છે. કુંવરજીભાઈએ બક્ષીપંચ સમાજને મોટો અન્યાય કર્યો છે અને ભાજપ સરકારમાં મંત્રીપદ માટે પ્રજાનો દ્રોહ કર્યો છે તેનો આવનારા સમયમાં લોકો જવાબ માંગશે.
પત્રકાર મિત્રના પ્રશ્નનો જવાબ આપતાં  અમીતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, કોઈપણ સામાજીક સંગઠનના અધ્યક્ષ હોવું અને રાજકીય પક્ષ એ બંને અલગ બાબત છે. આખા ગુજરાત અને દેશનો બક્ષીપંચ સમાજ અને તેમાં પણ ખાસ કરીને કોળી પટેલ સમાજ વર્ષોથી કોંગ્રેસ સાથે રહ્યો છે. આ સમાજમાં શિક્ષણ, આરોગ્ય વગેરે માટે જે પણ સંસ્થાઓ અને વ્યવસ્થાઓ છે તે કોંગ્રેસના સમયમાં ઉભી થઈ છે. આજે પણ આ સમાજના અનેક આગેવાનો-કાર્યકરો કોંગ્રેસ પક્ષમાં સારી જગ્યાએ જવાબદારી નિભાવે છે. એક વ્યક્તિના જવાથી સમાજ જતો નથી પણ સમાજ જ વ્યક્તિને મોટો બનાવતો હોય છે. જે વ્યક્તિ સમાજની લાગણીઓ સાથે ન ચાલે તેનો જવાબ આગામી સમયમાં સમાજ માંગશે જ.
 અમીત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં આંતરિક લોકશાહી છે. નાનામાં નાના કાર્યકરનો અવાજ પણ દબાવવામાં આવતો નથી. કદાચ વિચારભેદ હોય કે કામ કરવાની પદ્ધતિ જુદી હોય, પરંતુ પક્ષમાં છેલ્લે સહુએ સાથે મળીને કામ કરવાનું હોય છે. પ્રજા કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપતી આવી છે અને ભવિષ્યમાં પણ આપતી રહેશે.
ભાજપની સરકાર સામે પ્રજામાં ખૂબ આક્રોશ છે અને તે આક્રોશ ખાળી નહીં શકવાને કારણે એ ક્યાંકને ક્યાંક કોંગ્રેસમાંથી આગેવાનોને લઈ જઈને પોતાની ધટતી લોકપિ્રયતા ટકાવવાનો પ્રયત્ન કરે છે. આ વખતે ગુજરાત અને દેશની પ્રજા ભાજપને ધરે મોકલવાની તૈયારી કરી ચૂકી છે. ભાજપ દ્વારા સત્તાની સાંઠગાંઠ માટે અને પ્રજામાં પોતાની લોકપિ્રયતા ધટી રહી છે તેનાથી લોકોનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે કોંગ્રેસમાંથી આવેલા કુંવરજીભાઈને જે મંત્રીપદ ઓફર કર્યું છે તે ભાજપમાં વર્ષોની મહેનત પછી પણ લોકોને મંત્રીપદ મળતું નથી. ભાજપની નિષ્ફળતા અને નીતિઓને કારણે આ વખતે ગુજરાત અને દેશની પ્રજા ભાજપને ધરે મોકલવાની તૈયારી કરી ચૂકી છે.
મીડીયા તથા પત્રકાર મિત્રોને સંબોધતાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વિતેલા વર્ષોમાં ભાજપ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પણ ભાજપ સરકાર સામે ખૂબ મોટો અસંતોષ અને રોષ છે. ભાજપ માટે તન, મન અને ધનથી પોતાના અમૂલ્ય દિવસો સમર્પિત કરનાર કેટલાય નેતાઓ આજે સરકારમાં પદ મેળવવા માટે સંધર્ષ કરી રહ્યા છે, બળવો કરી રહ્યા છે, અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે ભાજપ પોતાના પક્ષના આંતરિક અસંતોષને ડામવા માટે પરાયા નેતાઓને પૈસાના બળથી ભાજપમાં શામિલ કરીને જોડવાની પ્રથમ મિટીંગમાં મંત્રીપદની ફાળવણી કરી ત્યારે સમગ્ર વાત ગુજરાતની જનતા સમક્ષ સ્પષ્ટ થઈ ચૂકી છે. 
 પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, કુંવરજીભાઈએ કોંગ્રેસ પક્ષમાં અન્યાય છે એ વાત ઉઠાવી હતી. કુંવરજીભાઈએ વીતેલા કેટલાય વર્ષો સુધી કોંગ્રેસમાં પોતાનું યોગદાન આપ્યું, પાંચ વખત કરતાં વધુ ધારાસભ્ય બન્યા, બે વખત સાંસદનો મોકો મળ્યો, કુટુંબીજનોને વિધાનસભાની ચૂંટણી લડાવી, જિલ્લા પંચાયતમાં વિવિધ હોદ્દાઓ આપ્યા. પોતાના વ્યક્તિગત હિતોને પોષવા અને અંગત સ્વાર્થ માટે સમસ્ત સમાજને હંમેશા દિવાલ બનાવવાનું કામ કર્યું છે અને જ્યારે-જ્યારે કોંગ્રેસ પક્ષે એક સમાજના આગેવાન તરીકે કુંવરજીભાઈ સત્તા અને સંગઠનમાં ભાગીદારી આપી ત્યારે તેમણે સમાજને દૂર રાખી, પરિવારવાદને જ પોષ્યો છે.
 ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે કોંગ્રેસ પરિવર્તનના માર્ગે આગળ વધી રહી છે, હોશ અને જોશના સમન્વય સાથે દેશ અને ગુજરાતની પ્રજાને શ્રેષ્ઠ નેતૃત્વ પૂラરું પાડવા માટે કોંગ્રેસ સંકલ્પિત છે અને તે જ સંકલ્પની હારમાળામાં ભોળાભાઈ ગોહિલનું કોંગ્રેસ પક્ષમાં હૃદયથી સ્વાગત કરું છું. કોંગ્રેસ પક્ષમાં સમાજને અન્યાય થાય છે તેવી વારંવાર વાત કરીને રાજકીય હિત સાધવાનો પ્રયાસ કુંવરજીભાઈએ કર્યો હતો, આજે એમનો સ્વાર્થ સ્વયં સામે આવ્યો છે. સરકારમાં મંત્રી બનવા માટે સમગ્ર સમાજનો દ્રોહ કરીને તેમણે ભાજપનો પાલવ થામ્યો છે. મને વિશ્વાસ છે કે કુંવરજીભાઈ ખૂબ ટૂંકા સમયના મંત્રી છે. એમણે આજે ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. જસદણની પ્રજાએ હંમેશા કોંગ્રેસ પક્ષને ટેકો આપ્યો છે, હૂંફ આપી છે, તાકાત આપી છે ત્યારે આવતા દિવસોમાં એ જસદણના મતદારોનો દ્રોહ કરનાર, ગુજરાતની પ્રજાનો દ્રોહ કરનાર, કોંગ્રેસની વિચારધારાનો દ્રોહ કરનાર કુંવરજીભાઈ કદાચ ટૂંકા સમય માટે મંત્રીપદ મેળવી લેશે પણ જેવી પેટા ચૂંટણી આવશે ત્યારે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભોળાના ભગવાન હોય છે તેમ કોંગ્રેસ પક્ષના મૂળ પરિવારમાં પરત ફરેલ ભોળાભાઈ પુનઃ જસદણના ધારાસભ્ય બનશે.