નદીઓના પ્રદૂષણમાં આખા દેશમાં ગુજરાત ચોથા ક્રમ પર
નદીઓના પ્રદૂષણમાં આખા દેશમાં ગુજરાત ચોથા ક્રમ પર છે. વન પર્યાવરણ વિભાગ દ્વારા લોકસભામાં જણાવવામાં આવ્યું કે ગુજરાતમાં 20 નદીઓ પ્રદૂષિત છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના વાર્ષિક અહેવાલ પ્રમાણે શેઢી, નર્મદા, સાબરમતી, મહી અને દમણગંગાના પાણીની ગુણવત્તામાં ભારે પ્રદૂષણ છે.
કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી અને સોનગઢ તાલુકાના મિંડોલા નદીમાં પ્રદૂષણ ઘટાડો કરવા ચાર વર્ષમાં રૂપિયા 200 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. સરકાર દ્વારા ભારે પ્રયાસો કરવામાં આવ્યા હોવા છતાં ગુજરાતમાં નદીઓનું પ્રદૂષણમાં દિવસે અને દિવસે વધારો થઇ રહ્યો છે. રાજ્યની 20 નદીઓ ઉદ્યોગોના કચરાને લીધે પ્રદૂષિત બની છે અને ઔદ્યોગિક કેમિકલ કચરાને કારણે નદીઓના પાણી પીવાલાયક રહ્યાં નથી.
અનેક જગ્યાએ નદીઓમાં ઉદ્યોગોનો જોખમી કચરો નદીમાં ઠાલવવામાં આવી રહ્યો છે ત્યારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સવાલના ઘેરામાં છે. આ પ્રદૂષણને કારણે કુદરતી જળાશયો સહિત ભૂતળના પાણી પણ પ્રદૂષિત થયા છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનીષ દોશીએ આક્ષેપ કર્યો કે છે, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરોડો રૂપિયાની ભ્રષ્ટાચારી રીતરસમોથી માનવ જિંદગી સાથે ચેડાં કરી રહ્યું છે એટલે કુદરતી નદીઓનું પાણી પ્રદૂષિત થાય છે. કેગના 2017ના અહેવાલ મુજબ ૮ મહાનગરપાલિકાઓ પૈકી ત્રણ પાસે ઘન કચરા પર પ્રક્રિયા કરવાની કોઈ સુવિધા નથી.