ગુજરાતમાં 24 કલાક ખુલ્લી રહેશે દુકાનો અને બિઝનેસ: 'Gujarat Ease of Doing Business Bill 2026' પાસ
Gujarat Ease of Doing Business Bill
ગુજરાત વિધાનસભામાં 'Gujarat Ease of Doing Business Bill 2026' બહુમતથી પાસ થતાં હવે રાજ્યભરમાં દુકાનો, મોલ, રેસ્ટોરેંટ, હોટલ, કેફે, ગેરેજ અને શોરૂમ 24 કલાક ખુલ્લા રાખી શકાશે. આ માટે 'ગુજરાત દુકાનો અને સ્થાપના અધિનિયમ' (ગુમાસ્તા ધારા) સાથે જોડાયેલા કાયદામાં વિધાનસભાના મૉનસૂન સત્રના અંતિમ દિવસે મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. નવી જોગવાઈ અનુસાર, સ્થાનિક સત્તાવાળાઓ કે પોલીસ હવે માત્ર સમય કે કલાકોના આધારે વ્યવસાયો બંધ કરાવી શકશે નહીં.
સમય મર્યાદાના જૂના નિયમોમાં ફેરફાર
વર્તમાન સિસ્ટમમાં વાણિજ્યિક સંસ્થાઓના સમય પર કડક નિયંત્રણો હતા, જેમાં માત્ર હોસ્પિટલો, નેશનલ હાઈવે, રેલ્વે સ્ટેશન, પેટ્રોલ પંપ અને બસ સ્ટેશન જેવા અમુક જ ક્ષેત્રોને છૂટછાટ મળતી હતી. સામાન્ય રીતે મ્યુનિસિપલ અને રાજ્ય ધોરીમાર્ગ વિસ્તારોમાં રાત્રે ૨ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી અને અન્ય વિસ્તારોમાં રાત્રે ૧૧ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી દુકાનો બંધ રાખવી પડતી હતી. નવા ફેરફારોથી આ સમયના તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે.
કર્મચારીઓના અધિકારો અને સલામતીનું રક્ષણ
24/7 વ્યવસાયો ખુલ્લા રાખવાનો અર્થ એ નથી કે કર્મચારીઓ પાસે સતત કામ કરાવી શકાય. વ્યવસાયોને સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થાપન અને સલામતીના નિયમોનું કડક પાલન કરવું પડશે. આ સાથે જ કર્મચારીઓના કામકાજના નક્કી કરેલા કલાકો, આરામનો સમયગાળો, રજાઓ, કામ કરવાની યોગ્ય પરિસ્થિતિઓ અને સુરક્ષા સંબંધિત હાલના તમામ કાનૂની નિયમો યથાવત અમલમાં રહેશે.
ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને પ્રક્રિયાઓનું સરળીકરણ
ગુજરાતના ઉદ્યોગ રાજ્યમંત્રી ડૉ. જયરામ ગામિતના જણાવ્યા અનુસાર, આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં નિયમનકારી પ્રક્રિયાઓને સરળ, ઝડપી, પારદર્શક અને ઉદ્યોગ-મૈત્રીપૂર્ણ બનાવવાનો છે. આ કાયદા દ્વારા ઉદ્યોગો અને નાગરિકો પરનો બિનજરૂરી બોજ ઘટશે. સાથે જ સ્વ-ઘોષણા (Self-declaration), સ્વ-પ્રમાણપત્ર (Self-certification) અને ટેકનોલોજી-આધારિત શાસનને પ્રોત્સાહન આપવામાં આવશે.
કાયદાકીય સુધારા અને ટ્રસ્ટ-આધારિત શાસન
નવો કાયદો ઓછા જોખમી પ્રવૃત્તિઓ માટે જરૂરી પૂર્વ-મંજૂરીઓ અને રૂબરૂ ભૌતિક ક્રિયાપ્રતિક્રિયાઓ (Physical interactions) ઘટાડીને ટ્રસ્ટ-આધારિત શાસન પ્રણાલી તરફ આગળ વધવાનો પ્રયાસ કરે છે. આ સુધારા વિધેયક હેઠળ અલગ-અલગ પાંચ રાજ્ય કાયદાઓમાં ૧૨ કાનૂની સુધારા જોગવાઈઓને એક જ માળખા હેઠળ લાવવામાં આવી છે, જેનાથી કાયદાકીય પ્રક્રિયા સરળ બને છે અને સમયની બચત થાય છે.
મુખ્ય કાનૂની સુધારાઓની વિગતો
આ બિલ હેઠળ બે મુખ્ય કાયદાઓમાં મહત્વના સુધારા કરાયા છે. પ્રથમ, 'ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સલામતી પગલાં અધિનિયમ, 2013' હેઠળ ફાયર સેફ્ટી ધોરણોને મકાનના પ્રકાર અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ જોખમ-આધારિત બનાવી પાલન ખર્ચ ઘટાડાશે. બીજું, 'ગુજરાત દુકાનો અને સ્થાપના અધિનિયમ, 2019' હેઠળ સેલ્ફ-ડિકલેરેશનથી નોંધણી સરળ બનાવી ૨૪/૭ કામગીરીની સાથે કામદારોના અધિકારોનું રક્ષણ કરાશે.

